Baroda

નરસિંહજીની પોળના દેરાસરનું 1796માં લખાયેલા વિનંતીપત્રમાં વર્ણન કરાયું છે

By GS Team
7 Sep 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો મંગળવારથી પ્રારંભ થશે. શહેરના એમજી રોડ પર નરસિંહજીની પોળમાં આવેલા 400 વર્ષ જૂના શ્રી દાદા પાર્શ્વનાથ દેરાસરની 5500 વર્ષ જૂની મૂર્તિ દરિયાઈ રેતીમાંથી બનેલી છે. આ મૂર્તિ લગભગ 450 વર્ષ પહેલા ભૂતડીઝાંપા મેદાન વિસ્તારમાંથી મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

નરસિંહજીની પોળના દેરાસરનું 1796માં લખાયેલા વિનંતીપત્રમાં વર્ણન કરાયું છે

જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો આવતીકાલ, મંગળવારથી પ્રારંભ થશે.દેરાસરોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.શહેરના એમજી રોડ પર નરસિંહજીની પોળમાં આવેલા ભગવાન શ્રી દાદા પાર્શ્વનાથનું દેરાસર વડોદરાના સૌથી જૂના જૈન ધર્મસ્થળો પૈકીનું એક ગણાય છે.
જેના પર એમ.એસ.યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટના ડાયરેકટર ડો.શ્વેતા પ્રજાપતિએ એક રિસર્ચ પેપર પણ લખેલું છે.તેમનું કહેવું છે કે, ચાર્તુમાસ દરમિયાન જૈન શ્રેષ્ઠીઓ દ્વારા સાધુ સંતો અને મુનિશ્રીઓને શહેરમાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવતું હતું.જેને વિજ્ઞાપ્તિપત્ર અથવા વિનંતી પત્ર તરીકે ઓળખવામાં આવતું હતું.તે સમયે કાગળના કે કાપડના વિંટા પર આમંત્રણ લખાતું હતું.જેને સ્ક્રોલ પણ કહેવામાં આવે છે.આ પ્રથા ૧૫મી સદીથી ૧૯મી સદી સુધી પ્રચલિત હતી.
તેમના કહેવા પ્રમાણે આવું જ એક વિજ્ઞાપ્તિપત્ર પૂજ્ય શ્રી ઉદયસાગરસૂરિજી મહારાજને વડોદરા પધારવા માટે ૧૭૯૬માં જૈન સંઘે લખ્યું હતું.જેના પાંચ ફોટોગ્રાફ ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલા છે.જેમાં જે ચિત્રો દોરવામાં આવેલા છે તેમાં ભગવાન પાર્શ્વનાથનું અને તેમની મૂર્તિ જ્યાં બિરાજમાન છે તે નરસિંહજી પોળના જૈન દેરાસરનું પણ ચિત્ર છે.સાથે સાથે આ વિજ્ઞાપ્તિપત્રમાં આસપાસના સ્થળોનું અને વડોદરાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.
ડો.પ્રજાપતિનું કહેવું છે કે, આ વિજ્ઞાપ્તિપત્ર જ ૨૬૦ વર્ષ જૂનું છે અને એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગના ખ્યાતનામ આર્કિઓલોજિસ્ટ પ્રો.આર એન મહેતાના પુસ્તક વડોદરા એક અધ્યયનમાં પણ આ મંદિર ૪૦૦ વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ છે.

૪૫૦ વર્ષ પહેલા જમીનમાંથી મળી હતી
ભગવાન પાર્શ્વનાથ દાદાની મૂર્તિ ૫૫૦૦ વર્ષ જૂની હોવાનું અનુમાન
દેરાસરના ટ્રસ્ટી મંડળના પ્રમુખ હિરેન શાહ અને ઉપપ્રમુખ રોશન ઝવેરીનું કહેવું છે કે, મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી પાર્શ્વનાથ દાદાની મૂર્તિ તો ૫૫૦૦ વર્ષ જૂની છે.જે દરિયાઈ રેતીમાંથી બનેલી છે.આમ છતા તેના પર એક ઘસરકો સુધ્ધા પડયો નથી.એવુ જાણવા મળે છે કે, લગભગ ૪૫૦ વર્ષ પહેલા આ મૂર્તિ આજના ભૂતડીઝાંપા મેદાન વિસ્તારમાંથી મળી હતી.એક ઘોડાએ જ્યાં પેશાબ કર્યો હતો ત્યાંથી દૂધની ધારા નીકળી હતી.ત્યાં ખોદકામ કરવામાં આવતા મૂર્તિ નિકળી હતી.એ પછી તેને ગાડામાં બિરાજમાન કરાઈ હતી.ગાડુ જ્યાં અટકે ત્યાં મંદિર બનાવવાની તે સમયે પ્રથા હતી.આજે જ્યાં દેરાસર છે ત્યાં જ ગાડુ અટકયું હતું અને અહીંયા મૂર્તિની સ્થાપના કરાઈ હતી.પહેલા મૂર્તિ ગ્રાઉન્ડ ફ્લોર પર હતી.૧૧૬ વર્ષ પહેલા સત્યેન્દ્ર ઝવેરી નામના શ્રેષ્ઠીએ મંદિરનો જિર્ણોધ્ધાર કર્યો હતો અને એ પછી ભગવાનની મૂર્તિને પહેલા માળ પર મંદિરમાં સ્થાપિત કરાઈ હતી.આટલી જૂની મૂર્તિ ગુજરાતમાં પણ ભાગ્યે જ કોઈ જગ્યાએ છે.દરેક પર્યુષણ પર્વમાં રોજ મૂર્તિને મનમોહક આંગી કરવામાં આવે છે.આ વર્ષે પણ રોજ અલગ અલગ આંગી કરાશે.

વિનંતી પત્રમાં કયા પ્રકારનું સચિત્ર વર્ણન છે
-- ભગવાન શ્રી પાર્શ્વનાથ દાદાની પ્રતિમા અને મૂર્તિની બંને તરફ ચામરધારીઓ.
--મરાઠી અને ગુજરાતી સાડી તથા હિરાજડિત આભૂષણો પહેરીને ઉભેલી સ્ત્રીઓને સાધ્વીજી ઉપદેશ આપી રહ્યા છે.
--વડોદરામાં જૈન સાધુ ભગવંતોના પ્રવેશવાનો રુટ, રોડની બંને તરફ ઝવેરાત, મીઠાઈ, કપડા વગેરેની ૧૦ દુકાનો.
--ચાંપાનેર દરવાજા, સરકારવાડા, માંડવી દરવાજા, જૈન મંદિર અને કૃષ્ણ મંદિરના ચિત્રો
--સાધુ-સાધ્વીઓનું સામૈયુ અને તેમાં મહારાજા ગોવિંદરાવ ગાયકવાડાને હાથીને અંબાડી પર બેઠેલા દર્શાવાયા છે.પાલખીમાં જૈન શ્રેષ્ઠીઓ, મહિલાઓ દર્શાવાયા છે.પૂજ્ય ઉદયસાગરસૂરિજી મહારાજ છત્ર નીચે ચાલી રહ્યા છે.
--ભગવાન શ્રી પાર્શ્વનાથ દાદાના મંદિરની સાથે નરસિંહજીના મંદિરનું ચિત્ર અને તેની બાજુની દીપમાળનું પણ વર્ણન છે.
--શહેરના બીજા વિસ્તારો જેવા કે શિયાબાગ, અગ્ગડ મેદાન, ભદ્રબારી, મહેતા પોળ, માંડવી દરવાજા, વાડીના મહાદેવ તળાવનું વર્ણન
--વડોદરામાં વેચાતી સુખડી, જલેબી, ખાજા, બરફી, પેંડા, લાડુ, માવા, ઘેવર, સક્કરપારા જેવી મીઠાઈઓની નોંધ