Baroda

વડોદરા શિક્ષણ સમિતિની ચૂંટણીમાં 12 સભ્યોના નામ જાહેર : માનીતા કાર્યકરને મેન્ડેટની વહેંચણી

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હોવાથી 12 ભાજપના ઉમેદવારો ઉમેદવારી કરશે. આગામી 13 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને તમામ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા છે. ભાજપે આ વખતે ગ્રેજ્યુએટ અને નવા કાર્યકરોને પ્રાધાન્ય આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શિક્ષણ સમિતિની ચૂંટણીમાં 12 સભ્યોના નામ જાહેર : માનીતા કાર્યકરને મેન્ડેટની વહેંચણી

Vadodara News : વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરી મેન્ડેટ આપવામાં આવ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોવાથી ભાજપના 12 ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવામાં આવશે. આગામી 13 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ તમામ 12 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવે તેવી સ્થિતિ છે.
ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોની પસંદગીમાં ગ્રેજ્યુએટ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે જ પૂર્વ કોર્પોરેટર કે અગાઉ શિક્ષણ સમિતિના સભ્ય રહી ચૂકેલા કાર્યકરોને બદલે નવા કાર્યકરો સાથે વકીલને પણ તક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શિક્ષણ સમિતિની 12 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર થતાં જ રાજકીય વર્તુળોમાં માનીતા કાર્યકરોને મેન્ડેટની વહેંચણી કરી દેવામાં આવી હોવાની ચર્ચા શરૂ થઈ છે. સંગઠનમાં સક્રિય રહેલા અનેક કાર્યકરોમાંથી પસંદગીના નામોને જ તક મળતાં અન્ય દાવેદારોમાં નારાજગી હોવાની પણ ચર્ચા છે.
શિક્ષણ સમિતિની ચૂંટણી માટેની પ્રક્રિયા જાહેર થઈ ચૂકી છે. 12 બેઠકો માટે આગામી 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જોકે ભાજપના 12 ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવારી ન રહે તો તેઓ બિનહરીફ જાહેર થશે.
ચૂંટણી બાદ સરકાર દ્વારા શિક્ષણ સમિતિમાં વધુ ત્રણ સભ્યોની નિયુક્તિ કરવામાં આવશે. આ રીતે શિક્ષણ સમિતિનું કુલ 15 સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં આવશે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ 13 ઓક્ટોબરે ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. જો તમામ 12 બેઠકો પર એક-એક ઉમેદવારી માન્ય રહે તો તે જ સમયે બિનહરીફ થવાનો માર્ગ મોકળો થશે. જો ચૂંટણીની જરૂરિયાત ઊભી થાય તો 21 ઓક્ટોબરે બપોરે 12થી 3 વાગ્યા સુધી કોર્પોરેશનની વડી કચેરીના સભા ગૃહમાં મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ બપોરે 3.30 વાગ્યાથી મતગણતરી શરૂ કરી પરિણામ જાહેર કરવામાં આવશે.
12 સભ્યોની ચૂંટણી અને સરકાર દ્વારા ત્રણ સભ્યોની નિયુક્તિ બાદ શિક્ષણ સમિતિનું 15 સભ્યોનું સંપૂર્ણ બોર્ડ રચાશે. ત્યારબાદ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ 12 નામો પર મહોર : શિક્ષણ સમિતિના નવનિયુક્ત સભ્યોની યાદી

  1. કૌશિક પ્રજાપતિ
  2. વીણાબેન ચૌધરી
  3. દીપાબેન શાહ
  4. ધવલ શાહ
  5. આરતીબેન જયસ્વાલ
  6. સોહીલ ગોડિયા
  7. સાલવ મજમુદાર
  8. અજય ગવરા
  9. કોમલબેન કુકરેજા
  10. ચિરાગ યાદવ
  11. પંકજ રાણા
  12. નીરવ પટેલ

સરકાર નિયુક્ત ત્રણ સભ્ય

  1. સંજીવ પંચોલી
  2. અમિત વ્યાસ
  3. સરકારી અધિકારી