મિત્રો સાથે ગયેલા યુવાનનું રહસ્યમય મોત : બીજા દિવસે લાશ મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા નજીક રતનપુર પાસેના એક ફ્લેટમાં રાત્રે ઊંઘી ગયેલો યુવાન સવારે રહસ્યમય સંજોગોમાં ઉઠ્યો જ ન હતો અને તેનું મૃત્યુ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મકરપુરારોડ ઉપર આકાશવાણીની પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો આકાશ રવિન્દ્રભાઈ પાટીલ ઉંમર વર્ષ 21 તારીખ 13 ની રાત્રે તેના બે મિત્રો રાજેશ ઉર્ફે રાજ બ્રહ્માનંદ ઓઝા અને અજય પુષ્પકાંત પરમાર સાથે રતનપુર નજીક આવેલા કુબેર એક્સપ્રેશન ફ્લેટમાં ભેગા થયા હતા. બાદમાં રાત્રે બંને મિત્રો પોત પોતાના ઘેર જતા રહ્યા હતા જ્યારે આકાશ એકલો ફ્લેટમાં જ ઊંઘી ગયો હતો.
સવાર સુધીમાં આકાશ ઘેર નહીં આવતા તેના પિતા રવિન્દ્રભાઈએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં તે તેના મિત્રો સાથે રતનપુર ખાતેના ફ્લેટમાં ગયો હોવાની વિગતો જાણવા મળ્યા બાદ રવીન્દ્રભાઈ આકાશના બંને મિત્રો સાથે ફ્લેટ પર પહોંચ્યા હતા ત્યારે ફ્લેટ અંદરથી બંધ હતો. બાદમાં પાછળની ગેલેરીમાંથી અંદર પ્રવેશીને જોતા આકાશ મૃત હાલતમાં મળ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા વરણામાં પોલીસે આકાશની લાશનો કબજો મેળવી તેને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેનું મોત કયા કારણોસર થયું તે પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાન બજાજ ફાઇનાન્સમાં નોકરી કરતો હતો.









