Baroda

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચોમાસામાં મચ્છરોના ઉપદ્રવને નાથવાની કામગીરીમાં ઢીલાશ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે. 1 જુલાઈથી 16 ઓગસ્ટ દરમિયાન મેલેરિયાના 2, ડેન્ગ્યુના 16 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે. મ્યુનિ. કોર્પોરેશન ફોગિંગ અને મચ્છર નિયંત્રણમાં નિષ્ફળ રહેતા, ખુલ્લા નાળા, ગંદકી અને પાણી ભરાવાના કારણે રોગચાળો વકર્યો છે. શહેરીજનો અસરકારક પગલાંની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચોમાસામાં મચ્છરોના ઉપદ્રવને નાથવાની કામગીરીમાં ઢીલાશ

શહેરમાં ચોમાસાની તુ દરમિયાન વરસાદી પાણી ભરાવા અને કાદવ-કીચડના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા મ્યુનિ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં સમયસર ફોગિંગ અને મચ્છર નિયંત્રણની કામગીરી કરવામાં આવતી ન હોવાની બૂમો ઉઠી છે.

શહેરમાંથી પસાર થતા વિશ્વામિત્રીના નાળામાં ગટરના પાણી વહી રહ્યા છે. ખુલ્લા વરસાદી કાંસ અને નાળાઓમાં પણ ગંદકી જોવા મળી રહી છે. વિવિધ વિસ્તારોમાં ઢોરવાડાઓની આસપાસ પણ ગંદકી ફેલાઈ છે. અનેક વિસ્તારોમાં ખુલ્લા મેદાનોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ-કીચડની સ્થિતિ સર્જાઈ છે. આવા સ્થળોએ લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા મચ્છરોના બ્રીડિંગ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કચરો ઉઠાવવામાં આવતો હોય તેવા સ્થળોએ ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જોકે, પાણી ભરાયેલા વિસ્તારોમાં લિક્વિડ નાખવાની તેમજ ફોગિંગ કરવાની કામગીરી નિયમિત રીતે થતી હોવાના બદલે ફરિયાદ મળ્યા બાદ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે.

મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો થતાં દર્દીઓ સારવાર માટે હોસ્પિટલો અને દવાખાનાઓમાં પહોંચી રહ્યા છે. તેમ છતાં મચ્છરોના બ્રીડિંગને અટકાવવા માટે આગોતરી અને અસરકારક કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડયું હોવાની ચર્ચા છે.

શહેરમાં જ્યાં પાણી ભરાય છે, કાદવ-કીચડ થાય છે અને ગંદકી જોવા મળે છે તેવા સ્થળોએ નિયમિત સફાઈ, પાણીનો નિકાલ,  દવાનો છંટકાવ અને જરૃરી વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવે તેવી શહેરીજનોની માગ છે.

શહેરીજનો મચ્છરજન્ય રોગચાળામાં સપડાયા

 શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧ જુલાઈથી ૧૬ ઓગસ્ટ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરો ખાતે મેલેરિયાના ૨, ડેન્ગ્યુના ૧૬ અને ચિકનગુનિયાના ૯ મળી કુલ ૨૭ કેસ નોંધાયા છે. જેમાં પશ્વિમ વિસ્તારમાં ડેન્ગ્યુના સૌથી વધુ ૯ અને ચિકનગુનિયાના ૫ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચેપી રોગ અને સયાજી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ડીડીટી પાવડરની થેલીઓ નકામી બની

પશ્વિમ ઝોનની વોર્ડ નં. ૧૨ની કચેરીમાં ડીડીટી પાવડરની થેલીઓ કચરાની હાલતમાં જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યાં છે. વોર્ડ ઓફિસમાં પાછળના ભાગે ડીડીટી પાવડરની ૧૫ જેટલી થેલીઓ ખુલ્લામાં પડેલી હોઈ પાણીમાં પલળતા પાવડર નકામો બની ગયો છે. આ મુદ્દે આજે સામાજિક કાર્યકરે ભારે નારાજગી દર્શાવી વિવિધ વિસ્તારોમાં ફોગિંગ અને પાવડર છંટકાવની માગ કરી હતી.

કોર્પોરેશનની કચેરીઓમાં જ ગંદકી

આજે વોર્ડ નં. ૧૨ની કચેરીમાં ગંદકી જોવા મળી છે. પાલિકાની કચેરીના પરિસરમાં જ જો નિયમિત સફાઈ ન થતી હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે તંત્રની કામગીરી કેવી રીતે અસરકારક રહેશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. ખોડીયાર નગર અને દંતેશ્વર પંપિંગ સ્ટેશનમાં પણ ગંદકી જોવા મળી છે.  વિવિધ કચેરીઓમાં  ભંગાર પડી રહ્યો છે. ચોમાસાના કારણે ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે, પરંતુ તેની સમયસર સફાઈ થતી નથી.