સરકારની નો ડિટેન્શન પોલિસીથી સ્કૂલોના મોટાભાગના આચાર્યો નાખુશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં નો ડિટેન્શન પોલિસીનો અમલ કરવામાં આવે છે.જેના ભાગરુપે બાળકોને પ્રાથમિક વિભાગમાં ધોરણ પાંચ અને આઠ સિવાય અન્ય કોઈ પણ ધોરણમાં નાપાસ કરી શકાતા નથી.પણ આ પોલિસીને લઈને સ્કૂલોના આચાર્યો ખુશ નથી તેવું એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના માસ્ટર ઓફ સોશ્યલ વર્કના વિદ્યાર્થી પિયુષ બાબરિયાએ ફેકલ્ટીના અધ્યાપક ડો.શર્મિષ્ઠા સોલંકીના માર્ગદર્શન હેઠળ કરેલા અભ્યાસમાં સામે આવ્યું છે.
આ અભ્યાસના ભાગરુપે પિયુષ બાબરિયાએ શિક્ષણ સમિતિની ૧૨૧ સ્કૂલોના આચાર્યો અથવા હેડ શિક્ષકના સરકારની વિવિધ યોજનાઓ પર અભિપ્રાય જાણ્યા હતા.જેમાં ૮૬ ટકા આચાર્યોએ કહ્યું હતું કે, નો ડિટેન્શન પોલિસીથી શિક્ષણની ગુણવત્તા પર વિપરિત અસર પડી રહી છે.તેનાથી શિક્ષણ પ્રત્યેની ગંભીરતા ઓછી થઈ રહી છે અને બાળકોમાં નિષ્ફળ થવાનો ડર રહેતો નથી.
સાથે સાથે આચાર્યોએ કહ્યું હતું કે, સ્કૂલોમાં લાગુ થયેલી મધ્યાહન ભોજન યોજના સફળ પૂરવાર થઈ છે.તેનાથી બાળકોની સંખ્યામાંં વધારો થયો હોવાનું ૮૪ ટકાનું માનવું છે.જ્યારે ૮૭ ટકા શિક્ષકોએ કહ્યું હતું કે, ભોજન મળતું હોવાથી બાળકો નિયમિત સ્કૂલે આવે છે.૮૯ ટકાએ કહ્યું હતું કે, બાળકોને મળતા પોષણ માં વધારો થયો છે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળી છે.
સરકારની અન્ય યોજનાઓ અંગે આચાર્યોના અભિપ્રાયો
--૫૨ ટકા આચાર્યોએ શાળા પ્રવેશોત્સવને અત્યંત જરુરી અને બાકીનાએ જરુરી બતાવ્યો હતો અને માત્ર પાંચ ટકાએ તેની જરુરિયાત નહીં હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું.
--૭૨ ટકા સ્કૂલોમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટિની બેઠક દર મહિને અને ૧૭ ટકા સ્કૂલોમાં દર ત્રણ મહિને મળતી હોવાનું પણ આ અભ્યાસમાં સામે આવ્યું છે.જોકે આ કમિટિઓની ક્ષમતાનો ઉપયોગ પૂરેપૂરો થતો નથી.કારણકે સભ્યોની નિમણૂંકમાં વૈવિધ્યતા નથી અને તેમાં સભ્ય બનેલા વાલીઓમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે.
--છોકરીઓની સ્કૂલોમાં સંખ્યા વધારવા માટે કન્યા કેળવણી યોજના અસરકાર પૂરવાર થઈ છે તેવું ૭૭ ટકાનું માનવું છે.
--આચાર્યોએ મિડ ડે મિલ યોજનાને સરકારની તમામ યોજનાઓ પૈકી સૌથી સફળ યોજના બતાવી હતી
ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો, ૯૨ ટકા સ્કૂલો સ્માર્ટ બોર્ડથી ભણાવે છે
શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પણ હવે પરંપરાગત શિક્ષણ પધ્ધતિઓના મુકાબલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.સમિતિની ૯૨ ટકા સ્કૂલોમાં હવે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે તેવું અભ્યાસમાં સામે આવ્યું છે.તેની સામે ૬૨ ટકા સ્કૂલો બુલેટિન બોર્ડ, ૫૨ ટકા સ્કૂલો ગેમ્સ, ૪૧ ટકા સ્કૂલો ફ્લેશ કાર્ડ અને ૬૭ ટકા સ્કૂલો ભણાવવા માટે પિક્ચર બૂક્સનો ઉપયોગ કરે છે.
મિડ ડે મિલ યોજનાના મોનિટરિંગ સહિતના સૂચનો
--બાળકોની સ્પર્ધાત્મકતાની ચકાસણી માટે સતત મૂલ્યાંકન થવું જોઈએ
--શિક્ષકોની ક્ષમતા વધારવા માટે શિક્ષકોના વર્કશોપનું વર્ષમાં ઓછામાં ઓછા એક વખત આયોજન થવું જોઈએ.
--કોમ્પ્યુટર લેબ ઉભી કરવા પર ધ્યાન આપવાની જરુર
--મધ્યાહન ભોજન યોજનાનું મોનિટરિંગ જરુરી. જેમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટિના સભ્યોને સામેલ કરવા જોઈએ
--કન્યા કેળવણીના ભાગરુપે અપાતી સ્કોલરશિપની પ્રક્રિયા સરળ થવી જોઈએ
--વડોદરા અને રાજ્યના અન્ય શહેરોની સ્કૂલોની સરખામણી થવી જોઈએ.









