મનસુખ જેસડિયા મારામારી પ્રકરણમાં નિષ્પક્ષ તપાસની માગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : સંઘના પ્રાંત સહ સેવા પ્રમુખ મનસુખ જેસડિયા સાથે સંકળાયેલા મારામારી પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમણે પ્રકરણમાં કોઈપણ રાજકીય ઓળખ, હોદ્દા કે વગના દબાણ વિના કાયદા મુજબ કાર્યવાહી કરવા અને અત્યાર સુધી થયેલી તપાસની સ્થિતિ અંગે લેખિતમાં જાણ કરવાની માગ કરી છે.
પોલીસ કમિશનરને પાઠવેલી રજૂઆતમાં તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને શહેરમાં કાયદો તથા વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ તંત્રની છે. આવા બનાવોમાં સમયસર અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં ન આવે તો સામાન્ય નાગરિકોમાં કાયદાની અમલવારી અંગે સવાલો ઊભા થાય છે. કાયદાનું શાસન માત્ર ભાષણો અને નિવેદનો પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ દરેક પ્રકરણમાં ન્યાયસંગત કાર્યવાહી થવી જોઈએ.
રજૂઆતમાં તેમણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાયદો અને વ્યવસ્થા અંગેના જાહેર નિવેદનોનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો છે કે આવા પ્રકરણોમાં જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે. તેમણે ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરવા, સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓનાં નિવેદનો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓની ચકાસણી કરવા માગ કરી છે.
આ ઉપરાંત ફરિયાદી અને સાક્ષીઓ પર કોઈ દબાણ ન આવે તથા તેમની સુરક્ષા જળવાય તેની કાળજી લેવા પણ રજૂઆત કરવામાં આવી છે. પ્રકરણમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને તપાસની સ્થિતિ અંગે લેખિત માહિતી આપવા માગ કરવામાં આવી છે.
તીર્થ બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું છે કે શહેરની શાંતિ, સલામતી અને ન્યાયવ્યવસ્થા સાથે સમાધાન થઈ શકે નહીં. સામાન્ય નાગરિક માટે કાયદો લાગુ પડે છે, તેવી જ રીતે વગદાર કે પ્રભાવશાળી વ્યક્તિઓ સામે પણ કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ. જો તપાસમાં વિલંબ થાય અથવા બેદરકારી જણાય તો આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ તેમણે આપી છે.




