વડોદરા શહેરમાં લેન્ડફિલ સાઇટ પર કચરા વ્યવસ્થાપન માટે રૂ.3.65 કરોડમાં બે વર્ષ માટે મશીનો ભાડે લેવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાંથી દરરોજ નીકળતા ઘન કચરાના અસરકારક નિકાલ માટે મકરપુરા લેન્ડફિલ સાઇટ પર કચરો સમથળ કરવાની કામગીરી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.3.65 કરોડના ખર્ચની મર્યાદામાં બે વર્ષ માટે જરૂરી મશીનરી ભાડે લેવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હેઠળ મકરપુરા લેન્ડફિલ સાઇટ પર શહેરમાંથી એકત્રિત થતો દૈનિક ઘન કચરો ઠાલવવામાં આવે છે. લેન્ડફિલનું વૈજ્ઞાનિક સંચાલન જળવાઈ રહે તે માટે કચરાને નિયમિત રીતે સમથળ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી માટે ચેઇન ડોઝર અને પોકલેઈન ચેઇન એસ્કેવેટર જેવી ભારે મશીનરીની જરૂરિયાત રહે છે.
કોર્પોરેશન પાસે પોકલેઈન ચેઇન એસ્કેવેટર પ્રકારની મશીનરી ઉપલબ્ધ ન હોવાથી અત્યાર સુધી ખાનગી ઈજારદારો પાસેથી ભાડે મશીનો મેળવી કામગીરી કરાવવામાં આવે છે. આ માટે કોર્પોરેશને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં બે એજન્સીઓ ટેકનિકલી ક્વોલિફાઈ થઈ હતી.
આ પૈકી મે. માધવ એન્ટરપ્રાઇઝ દ્વારા અંદાજિત કિંમત કરતાં 9.35 ટકા ઓછા ભાવે પ્રતિ કલાક રૂ. 1,251ના દરે પોકલેઈન (હિટાચી-200 અથવા સમકક્ષ) મશીન ઉપલબ્ધ કરાવવાની ઓફર કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ મશીનો અને કલાકોના આધારે કામગીરી કરાવવામાં આવશે.
આ કામગીરી માટે બે વર્ષ દરમિયાન રૂ. 3,65,29,200ની ખર્ચ મર્યાદા મંજૂર કરવા તેમજ કામગીરી સંબંધિત તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. હવે આ મુદ્દે આવતીકાલે શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.




