ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરી લેક્ચરર સાથે મિત્રની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની ખાનગી યુનિવર્સિટીમાં લેક્ચર આપવા જતા કોલકત્તાના લેક્ચરરના બેંક એકાઉન્ટમાંથી છળકપટથી સાથી કર્મચારીએ ઓનલાઇન સવા બે લાખ પડાવી લીધા હતાં.
કોલકત્તાના સંતોષપુરમાં રહેતા સૈરીશ માનસ ચંદાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સચિનસિંઘ કપ્તાનસિંઘ (રહે.સેમ્મેટ,પ્લેટિનમ વ્હાઇટ ફિલ્ડ પાસે, મકરબા,અમદાવાદ) સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું બ્રાઇટ એક્સેલ નામની કોલેજમાં સ્કીલ ટ્રેનિંગ આપવાનું કામ કરુ છું. અમારી કોલેજે પારુલ યુનિવર્સિટી સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોવાથી કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે અમો વડોદરા આવીએ છે અને આમોદર પાસે સ્ટાન્ઝા હોસ્ટેલમાં રહીએ છે.
તા.૧૩ એપ્રિલના રોજ સવારે સચિનસિંગ મારી પાસે આવ્યો હતો અને મારા ઘેર પૈસાની ખાસ જરૃર છે માટે તાત્કાલિક રૃા.૪૦ હજારની વ્યવસ્થા કરી આપો તેમ કહેતા મે મારી પાસે રોકડ નથી તેમ જણાવતા તેણે મારા ક્રેડિટકાર્ડથી તેના બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. આ રકમ સાંજે પરત આપવાની વાત કરી હતી પરંતુ ટેકનિકલ કારણો જણાવી રકમ ટ્રાન્સફર કરી ન હતી પરંતુ બાદમાં તે રકમ પરત આપી હતી અને હું મારા વતનમાં જતો રહ્યો હતો.
ત્યારબાદ ફરીથી મે માસમાં પરત આવ્યો હતો અને યુનિવર્સિટીમાં લેકચર આપવા જતો હતો. તા.૨૨ના રોજ સવારે છ વાગે હું ઊંઘમાંથી જાગ્યો ત્યારે અચાનક સચિનસિંઘને મારી રૃમમાં જોતા તેમજ તેની પાસે મારો મોબાઇલ જોતા હું ચોંકી ગયો હતો. તે ફોન મને પરત કરી પરત ગયા બાદ મેં ફોનમાં જોયું તો મારા ત્રણ ક્રેડિટકાર્ડમાંથી કુલ રૃા.૨.૨૫ લાખ તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાયું હતું. આ અંગે પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરિયાદ કરતા સચિને પૈસા પરત આપી દેશે તેવી સમજૂતી કરી હતી પરંતુ ત્યારબાદ પણ પૈસા પરત કર્યા ન હતા અને તેના પિતાને ફોન કરતા તેમણે જવાબ આપ્યો હતો કે તે અમારા કહ્યામાં નથી.




