વડોદરા વોર્ડ નં.16માં પાયાની સુવિધાઓનો અભાવ : સમસ્યાઓ નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નં.16માં ભારતવાડી, યમુના મિલ પાસેના વુડાના આવાસો, જયનારાયણનગર, સોમા તળાવ અને લીમડી ફળિયા સહિતના વિસ્તારોમાં ગંદા પાણી, ડ્રેનેજ ચોકઅપ અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવતાં સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
યમુના મિલ પાસેના વુડાના આવાસોમાં રસ્તા અને ડ્રેનેજની સુવિધાનો અભાવ છે. ચોમાસામાં કાદવ અને ગંદકી વચ્ચે અવરજવર કરવી મુશ્કેલ બને છે. અનેક વિસ્તારોમાં ક્યાંક ગંદું પાણી આવે છે, તો ક્યાંક પાણી મળતું નથી અથવા ઓછા દબાણથી આવે છે. પાણીનો સમય પણ નિશ્ચિત ન હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. ગંદકીના કારણે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે.
બીજી તરફ, ગાજરાવાડીના સ્લોટર હાઉસમાં રોજનાં 40થી 50 મૃત પશુઓ લાવવામાં આવે છે અને તેમનું માંસ ખુલ્લામાં નાખી દેવાતું હોવાનો આક્ષેપ છે. આ માંસ 10થી 20 દિવસ સુધી ખુલ્લામાં પડ્યું રહેતાં ગાજરાવાડીથી લઈને વાઘોડિયા રોડ સુધીના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. છેલ્લા 30 વર્ષથી આ મુદ્દે રજૂઆત થતી હોવા છતાં ઉકેલ નહીં આવતાં સ્લોટર હાઉસને અન્યત્ર ખસેડવાની માગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત, ગાજરાવાડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કર્યા વિના જ પાણી રૂપારેલ કાંસમાં છોડવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તેમાં હજારો લોકોની ડ્રેનેજ લાઇન જોડાયેલી હોવાથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, લોકો મેલેરિયા, તાવ અને કમળા જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
આ તમામ સમસ્યાઓ અંગે વોર્ડ કચેરી અને મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ શુદ્ધ અને પૂરતા દબાણથી પાણી આપવા, ડ્રેનેજની સમસ્યા દૂર કરવા, સફાઈની વ્યવસ્થા સુધારવા અને સ્લોટર હાઉસ અન્યત્ર ખસેડવાની માગણી કરી છે. સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.




