કોમર્સ ફેકલ્ટીમાં દરેક યુનિટ પર લેબ બનશે, 450 નવા કોમ્પ્યુટર ખરીદાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીની ૧૯૪૯માં સ્થાપના થયા બાદ આ વર્ષે પહેલી વખત બીકોમમાં એફવાયના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર વિષય અભ્યાસક્રમમાં સમાવવામાં આવ્યો છે.ફેકલ્ટી સત્તાધીશોએ ઓપ્શનલ વિષય તરીકે કોમ્પ્યુટર અથવા બેન્કિંગમાંથી એક વિષય પસંદ કરવાનો વિકલ્પ વિદ્યાર્થીઓને આપ્યો છે.
અત્યાર સુધી ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અને ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ બેન્કિંગ વિષય પસંદ કરી ચૂકયા છે.જ્યારે બાકીના વિદ્યાર્થીઓએ વિકલ્પ પસંદ કરવાનો બાકી છે.જોકે સત્તાધીશોએ કોમ્પ્યુટર વિષય ભણાવવા માટે મોટા પાયે માળખાકીય સુવિધા ઉભી કરવાની તૈયારી શરુ કરી દીધી છે.
અત્યારે મેઈન બિલ્ડિંગ ખાતે અને એમકોમ ખાતે કોમ્પ્યુટર લેબ છે.ફેકલ્ટી સત્તાધીશોનું કહેવું છે કે, ફેકલ્ટી પાસે અત્યારે ૨૫૦ જેટલા કોમ્પ્યુટર છે. પરંતુ વિદ્યાર્થીઓને ભણાવવા માટે દરેક યુનિટ પર એક લેબોરેટરી બનાવવાનું આયોજન છે.કુલ મળીને ૪૫૦ કોમ્પ્યુટર ખરીદાશે.આમ કોમર્સ ફેકલ્ટી પાસે ૭૦૦ કોમ્પ્યુટર ઉપલબ્ધ થશે.નવા કોમ્પ્યુટર ખરીદવાની પ્રક્રિયા પૂરા થવાના આરે છે.
સત્તાધીશોની યોજના તો કોમ્પ્યુટર વિષય ફરજિયાત કરવાની છે અને આ માટે જરુર પડે તો બેન્કિંગના વિષયનો ઓપ્શન પણ વિદ્યાર્થીઓે નહીં આપવા માટે વિચારણા કરાઈ રહી છે.
કોમ્પ્યુટર એજ્યુકેશનના ભાગરુપે
એકાઉન્ટિંગ સોફટવેર, ઓનલાઈન આઈટી રિટર્ન ફાઈલિંગ શીખવાડાશે
એમકોમના વિદ્યાર્થીઓને અત્યારે ફાઈનાન્સિયલ ડેટા એનાલિટિક્સનો કોર્સ કોઈ પણ ફી વગર ભણાવાય છે
પહેલા વર્ષમાં દરેક સેમેસ્ટરમાં એક એમ કોમ્પ્યુટરના બેઝિક અને એડવાન્સ એમ બે પેપર ભણાવાશે.કોમ્પ્યુટર વિષયનો કોર્સ બે ક્રેડિટનો રહેશે. ૫૦ કલાકના અભ્યાસક્રમમાં ૨૫ કલાકની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.આવતા વર્ષે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના એકાઉન્ટિંગ સોફ્ટવેર, ઓનલાઈન રિટર્ન ફાઈલિંગ અને જીએસટી ફાઈલિંગ પણ કોમ્પ્યુટરના અભ્યાસક્રમના ભાગરુપે ભણાવાશે.અત્યારે એમકોમમાં ૭૦ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર એકાઉન્ટિંગ સોફટવેર તથા ફાઈનાન્સિયલ ડેટા એનાલિટિક્સનો કોર્સ કોઈ પણ જાતની વધારાની ફી લીધા વગર ભણાવાઈ રહ્યો છે.આ વર્ષે તેના આધારે એમકોમના વિદ્યાર્થીઓનું જોબ પ્લેસમેન્ટ પણ કરાવાશે.




