વડોદરામાં 10 લાખનો ચેક બાઉન્સ થતાં જ્વેલર્સ વેપારીને બે વર્ષની કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દાખલ થયેલા ચેક રિટર્ન કેસમાં અત્રેની કોર્ટે આરોપીને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.10 લાખનો દંડ ફટકાર્યો છે.
કેસની વિગતો મુજબ ડભોઇ રોડ વિસ્તારમાં રહેતા ફરિયાદી નરેન્દ્રનાથે માંડવી ખાતે દલા પટેલની પોળમાં રહેતા અને સોના ચાંદીનો વેપાર કરતા બ્રિજેશકુમાર સોની સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી અને આરોપી વેપારી મિત્ર હતા. આરોપીના વિશ્વાસમાં આવી ફરિયાદીએ શેરબજારમાં રોકાણ કરવા માટે ટુકડે-ટુકડે કુલ રૂ.13.29 લાખની રકમ આરોપીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.
ફરિયાદ મુજબ આરોપીએ શેરબજારમાં રોકાણ દર્શાવવા માટે ખોટું એકાઉન્ટ તૈયાર કરી તેમાં ફરિયાદીના નામની એન્ટ્રીઓ દર્શાવી હતી, જ્યારે વાસ્તવમાં શેરબજારમાં રોકાણ કરવાના બદલે રકમ પોતાના બેંક ખાતામાં જ રાખી હતી. બાદમાં રકમ પરત આપવા માટે બંને વચ્ચે સમાધાન કરાર થયો હતો. આ કરારના ભાગરૂપે વર્ષ 2024માં આરોપીએ ફરિયાદીને રૂ.10 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક બેંકમાં રજૂ કરતાં રિટર્ન થયો હતો.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ વિવાદિત ચેક તેમના બેંક ખાતાનો હોવા અંગે કે ચેક પરની સહી પોતાની હોવા અંગે કોઈ ઇન્કાર કર્યો નથી. તેથી ચેક ફરિયાદીના કાયદેસરના લેણા અને જવાબદારીના નિર્વહ માટે આપવામાં આવ્યો હોવાનું માનવાનો પૂરતો આધાર હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
આ તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી બ્રિજેશકુમાર સોનીને દોષિત ઠેરવી બે વર્ષની કેદની સજા તેમજ રૂ 10 લાખનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.




