Baroda

સાઉથ આફ્રિકામાં જંબુસરના વેપારી આસિફનું પોલીસના સ્વાંગમાં અપહરણ

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
ભરૃચના જંબુસરના વતની અને સાઉથ આફ્રિકામાં વ્યવસાય કરતા આસિફ ઘાસિયાનું 26 ઓગસ્ટે અપહરણ થયું છે. ટેમ્બિસાથી ઘર તરફ જતી વખતે પોલીસ ગણવેશમાં 3 શખ્સોએ કાર રોકી. દસ્તાવેજ ચકાસણી બાદ અન્ય 7 સશસ્ત્ર શખ્સોએ તેમને બીજી કારમાં બળજબરીથી બેસાડી અજાણ્યા સ્થળે લઈ ગયા. આ ઘટનાથી જંબુસર સહિત સાઉથ આફ્રિકાના ભારતીય સમાજમાં ચિંતા વ્યાપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાઉથ આફ્રિકામાં જંબુસરના વેપારી આસિફનું પોલીસના સ્વાંગમાં અપહરણ

ભરૃચ જિલ્લાના જંબુસરના વતની અને પરિવાર સાથે સાઉથ આફ્રિકામાં રહી વ્યવસાય કરતા આસિફ ઘાસિયાનું અપહરણ થયાના અહેવાલથી જંબુસર સહિત સાઉથ આફ્રિકામાં વસતા ભારતીય સમાજમાં ચિંતા અને દહેશતનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર તા.૨૬ ઓગસ્ટના રોજ સાંજે સાડા છ વાગે આસિફ ઘાસિયા ત્રણ કામદારો સાથે કારમાં પોતાના ધંધાના સ્થળ ટેમ્બિસાથી ઘર તરફ લોડિયમ જઈ રહ્યા હતા. રસ્તામાં પોલીસના ગણવેશમાં ઉભેલા ત્રણ શખ્સોએ તેમની કાર અટકાવી તેમાં સવાર વ્યક્તિઓ પાસે સાઉથ આફ્રિકાના જરૃરી દસ્તાવેજો બતાવવાની માંગણી કરી હતી. પ્રાથમિક રીતે સમગ્ર ઘટના પોલીસની નિયમિત દસ્તાવેજ ચકાસણી જેવી જણાતી હતી.
ત્રણેય વ્યક્તિઓના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આસિફ ઘાસિયા પોલીસના ગણવેશમાં રહેલા શખ્સો સાથે વાતચીત કરવા માટે પોતાની કારમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક અન્ય એક કાર ત્યાં આવીને ઊભી રહી હતી. ત્યારબાદ આસિફ ઘાસિયાને બળજબરીપૂર્વક બીજી કારમાં બેસાડી તેમને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
અપહરણ માટે બે વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં એક ફોક્સવેગન પોલો અને એક સુઝુકી સ્વિફ્ટનો સમાવેશ થાય છે. આશરે સાત જેટલા સશ શખ્સો આ ઘટનામાં સંડોવાયેલા હોવાની પ્રાથમિક માહિતી છે. તેમાંથી ત્રણ શખ્સોએ મેટ્રો પોલીસના ગણવેશ પહેર્યા હતાં. જોકે, આ તમામ વિગતો અંગે સાઉથ આફ્રિકાની પોલીસ તપાસ બાદ જ સત્તાવાર હકીકત સ્પષ્ટ થશે.
આ ઘટનાને કારણે સાઉથ આફ્રિકામાં વેપાર-ધંધો કરતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી વેપારી પરિવારોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આસિફ ઘાસિયા જંબુસરના વતની હોવાથી તેમના અપહરણના સમાચાર મળતા જ જંબુસરના પરિવારજનો, સગાસંબંધીઓ અને પરિચિતોમાં ચિંતા વ્યાપી છે. પરિવારજનો દ્વારા આસિફ ઘાસિયાની સલામત મુક્તિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.