ભારત ત્રણ દાયકામાં ૩૦ ટકા વેટલેન્ડસ ગુમાવી ચૂક્યું છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પર્યાવરણ અને જીવ વૈવિધ્ય માટે મહત્વના વેટલેન્ડસની દ્રષ્ટિએ ભારત સમૃધ્ધ છે પણ છેલ્લા ત્રણ દાયકાઓમાં દેશમાંથી ૩૦ ટકા વેટલેન્ડસ ખતમ થઈ ચૂકયા છે તેમ વેટલેન્ડસ ઈન્ટરનેશનલ સાઉથ એશિયા સોસાયટીના પ્રમુખ ડો.સિધ્ધાર્થ કૌલે કહ્યું હતું.
વેટલેન્ડસ બચાવવા માટે છેડવામાં આવેલા અભિયાનના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીના અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચ અને વેટલેન્ડસ ઈન્ટરનેશનલ સાઉથ એશિયા વચ્ચે એક એમઓયુ કરવામાં આવ્યું છે.જેના ભાગરુપે એક ટ્રેનિંગ પ્રોગ્રામ યુનિવર્સિટીમાં શરુ કરવામાં આવશે.
જેના ભાગરુપે યોજાયેલી એક કોન્ફરન્સમાં આવેલા ડો.કૌલે કહ્યું હતું કે, ભારત પાસે લાખો વેટલેન્ડસ છે અને તેમાંથી ૧૦૦ રામસર ( આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડસ)સાઈટનો દરજ્જો પામેલા છે.જોકે નાના વેટલેન્ડસને અત્યાર સુધી ગણતરીમાં લેવાતા નહોતા અને તેનું મહત્વ નહોતું.કેટલીક જગ્યાએ તો વેટલેન્ડસ પર ફેકટરીઓનું નિર્માણ થઈ ગયું છે.હવે ભારત જ નહીં પણ દક્ષિણ એશિયાના બીજા દેશોમાં પણ સરકારો વેટલેન્ડસને લઈને જાગૃત થઈ રહી છે.હવે સરકારોને વેટલેન્ડસ માટે કાયદા બનાવવાનું મહત્વ સમજાઈ રહ્યું છે.વેટલેન્ડસ દર વર્ષે લાખોની સંખ્યામાં પક્ષીઓને પણ આકર્ષે છે. જેનાથી ટુરિઝમને પણ વેગ મળી શકે તેમ છે.ડો.કૌલે કહ્યું હતું કે, જાગૃતિનો અભાવ અને રાજકીય પ્રભાવ, દબાણો સહિતના પરિબળો વેટલેન્ડસ સામેના સૌથી મોટા પડકારો છે.વેટલેન્ડસ બચાવવા માટે મોટી સંખ્યામાં સ્વયં સેવકો તૈયાર કરવાની જરુર છે.ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવા આગામી મહિને વધુ એક બેઠક મળશે.
ભારતમાં નાના- મોટા ૭.૫૭ લાખ વેટલેન્ડસ
ઉપલબ્ધ જાણકારી પ્રમાણે ભારતમાં લગભગ ૭.૫૭ લાખ નાના- મોટા વેટલેન્ડસ છે.આ પૈકી બે લાખ વેટલેન્ડસ ૨.૨૫ હેકટર અથવા તેના કરતા વધારે જમીનમાં ફેલાયેલા છે.૧૦૦ વેટલેન્ડસને રામસર સાઈટસનો દરજ્જો મળેલો છે.જેનો કુલ વ્યાપ ૧૩.૮૭ લાખ હેકટર થવા જાય છે.રામસર સાઈટસનો દરજ્જો પામેલા સૌથી વધારે ૨૦ વેટલેન્ડસ તામિલનાડુમાં છે.જ્યારે પશ્ચિમ બંગાળનું સુંદરવન ભારતના સૌથી મોટા વેટલેન્ડનો દરજ્જો ધરાવે છે.વડોદરા નજીક વઢવાણા પણ ગુજરાતના જાણીતા વેટલેન્ડસ પૈકીનું એક છે.









