વડોદરા શહેરમાં રસ્તાઓ સાથે વોકિંગ ટ્રેક ધોવાણની ઘટનાઓ યથાવત : ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેકમાં મોટો ભૂવો પડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ બેસી જવાના અને ભૂવા પડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. માર્ગો પર પડતા ભૂવાના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે, ત્યારે હવે જાહેર બગીચાઓ પણ સુરક્ષિત રહ્યા ન હોવાનું વધુ એક ઘટનાએ દર્શાવ્યું છે. ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક ધસી જતાં મોટો ભૂવો પડ્યો હતો. સદનસીબે આ સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે તાંદળજા વિસ્તારમાં પણ વિશાળ ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. તે પહેલાં સમા-છાણી સાયકલ ટ્રેકના વોકિંગ ટ્રેકનો એક ભાગ પણ બેસી ગયો હતો. હવે ગોત્રી ગાર્ડનમાં બનેલી ઘટનાએ શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોની ગુણવત્તા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સ્થાનિકો અને સહેલાણીઓના જણાવ્યા મુજબ ગોત્રી ગાર્ડનમાં રોજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ, કસરત અને મનોરંજન માટે આવે છે. જો ભૂવો પડતી વખતે ત્યાં લોકો હાજર હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. આ ઘટનાના પગલે બગીચામાં નિયમિત આવતા લોકોમાં પણ ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને પગલે લોકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સાથોસાથ વિકાસકાર્યો અને સમારકામની ગુણવત્તા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે એક પછી એક માર્ગો, ટ્રેક અને જાહેર સ્થળો ધસી પડતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને સમગ્ર મામલામાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.









