બ્રીજની કામગીરીની ઇફેક્ટ : સમા તળાવ સર્કલ પર 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક ડાયવર્ઝન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ વિભાગ દ્વારા 30 મીટર સમા-સાવલી રોડ પર આવેલા સમા તળાવ (અબાકસ) જંક્શન ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના 40 મીટર જંક્શન સ્પાન (ઓબ્લીગેટરી સ્પાન)ની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી આજથી તા.2 જુલાઈથી 15 ઓક્ટોબર, 2026 સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આજથી કામગીરી શરૂ કરવાની હતી તેમ છતાં વહેલી લોકોને જાણકારી નહીં આપતા વાહન ચાલકો અટવાયા હતા.
આથી, તમામ પ્રકારના ભારે વાહનો, એસટી બસો અને વિટકોસની શહેરી બસો માટે હરણી રોડ, ગદા સર્કલ, હરણી જૂના જકાતનાકા સર્કલ, માણેકપાર્ક સર્કલ, અમિતનગર બ્રિજ, એલ એન્ડ ટી સર્કલ અને મંગલ પાંડે બ્રિજ થઈ અવરજવર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમા ગામ તરફથી આવતા ભારે વાહનો માટે પણ આ જ રૂટનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
લાઇટ મોટર વાહનો માટે પણ વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. સમા-હરણી લિંક રોડ તરફથી આવતા વાહનો સમા અબાકસ સર્કલથી ડાબી તરફ વળી ઉર્મિ બ્રિજ પાસે યુ-ટર્ન લઈને સમા ફ્લાયઓવર બ્રિજના સર્વિસ રોડનો ઉપયોગ કરી સમા ગામ તરફ જઈ શકશે. જ્યારે સમા ગામ તરફથી આવતા વાહનો આશીર્વાદ હોસ્પિટલ પાસે યુ-ટર્ન લઈ સર્વિસ રોડ મારફતે સમા-હરણી લિંક રોડ તરફ જઈ શકશે.
મ્યુનિ. કોર્પોરેશને વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને દર્શાવાયેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.









