Baroda

વિશ્વામિત્રીના કિનારે ફરી ગેરકાયદે વેસ્ટ ડમ્પિંગ, તંત્રની કાર્યવાહી સામે પ્રશ્નો

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે C&D વેસ્ટ ઠલવવાનો સિલસિલો યથાવત છે. ભીમનાથ બ્રિજ પાસે ફરી અજાણ્યા તત્વો દ્વારા કચરો ઠાલવાયો, જેનાથી નદીનું વહેણ અને પહોળાઈ પ્રભાવિત થઈ રહી છે. મનપાની સૂચના છતાં કાર્યવાહીનો અભાવ છે. CCTV કેમેરા હોવા છતાં ગેરકાયદે ડમ્પિંગ ચાલુ રહેતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વામિત્રીના કિનારે ફરી ગેરકાયદે વેસ્ટ ડમ્પિંગ, તંત્રની કાર્યવાહી સામે પ્રશ્નો

Vadodara Vishwamitri River : વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદે બાંધકામનો કાટમાળ (C&D વેસ્ટ) સહિત વિવિધ પ્રકારનો કચરો ઠાલવવાના બનાવો યથાવત રહેતાં નદીનું કુદરતી વહેણ અને પહોળાઈ પ્રભાવિત થઈ રહી છે. નિષ્ણાતોના મતે નદીના કિનારે સતત થતા આવા ડમ્પિંગને કારણે નદી સાંકડી બનતી જાય છે, જેના કારણે ચોમાસામાં પૂરની શક્યતા પણ વધી શકે છે.
તાજેતરમાં વિશ્વામિત્રી નદીના જીર્ણોદ્ધાર માટે રચાયેલી સમિતિએ પોતાના અહેવાલમાં નદીના કિનારે થતા ગેરકાયદે ડમ્પિંગની ગંભીર નોંધ લઈ જવાબદાર તંત્રને કડક પગલાં ભરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાએ પણ વિશ્વામિત્રીના કિનારે વેસ્ટ ઠાલવનારાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જોકે, આ સૂચનાઓની સ્થળ પર કોઈ ખાસ અસર જોવા મળતી નથી.
ભીમનાથ બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીના કિનારે ફરી એક વખત અજાણ્યા ઈસમો દ્વારા C&D વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ તંત્રની દેખરેખ અને અમલવારી પર ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.
નવાઈની વાત એ છે કે જ્યાં ડમ્પિંગ થયું હોવાનું સામે આવ્યું છે, ત્યાં સરકારી CCTV કેમેરા પણ લગાવવામાં આવેલા છે. તેમ છતાં ગેરકાયદે પ્રવૃત્તિ અટકી ન હોવાથી આ કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓએ નદીના કિનારે થતા ગેરકાયદે ડમ્પિંગને તાત્કાલિક અટકાવવા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને વિશ્વામિત્રી નદીના સંરક્ષણ માટે અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવાની માગ ઉઠાવી છે.