વડોદરાના યુવકે ટૂંકા ગાળામાં 6,000 મીટરથી ઊંચા બે શિખરો સર કર્યા, પર્વતારોહણ ક્ષેત્રે અનોખી સિદ્ધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરાના પર્વતારોહક હિતેશ પટેલે પર્વતારોહણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. 1થી 8 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાયેલા અભિયાનમાં હિતેશ પટેલે પોતાની બે સભ્યોની ટીમ સાથે ટૂંકા ગાળામાં 6,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બે પર્વત શિખરો સફળતાપૂર્વક સર કર્યા હતા.
હિતેશ પટેલે હિમાચલ પ્રદેશ અને લદ્દાખ વિસ્તારમાં આવેલા માઉન્ટ શિન્કુન ઈસ્ટ, જેની ઊંચાઈ ૬,૦૮૧ મીટર છે, તેમજ માઉન્ટ યુનમ, જેની ઊંચાઈ 6,111 મીટર છે, બંને શિખરો સર કર્યા હતા. ખાસ વાત એ છે કે બંને શિખરોનું આરોહણ ‘આલ્પાઇન સ્ટાઇલ’ પદ્ધતિથી કરવામાં આવ્યું હતું.
આ પદ્ધતિમાં પર્વતારોહકો કોઈ હેલ્પર, અગાઉથી ગોઠવાયેલા દોરડા કે તૈયાર હાઈ કેમ્પસ વિના જરૂરી સામાન પોતાની સાથે લઈ પર્વતારોહણ કરે છે. અભિયાન દરમિયાન ટીમે પડકારજનક પથરાળ અને બરફીલા માર્ગો પાર કરીને બંને શિખરો પર તિરંગો લહેરાવ્યો હતો.
બે શિખરો સર કર્યા બાદ હિતેશ પટેલ અને તેમની ટીમે લદ્દાખના પેંગોંગ તળાવ ઉપર આવેલા અગાઉ ન ચડાયેલા એક શિખર પર પણ ચઢાઈનો પ્રયાસ કર્યો હતો. ટીમ 5,800 મીટરની ઊંચાઈ સુધી પહોંચી હતી, પરંતુ મુખ્ય શિખર સુધી પહોંચવામાં સફળતા મળી નહોતી.
ટૂંકા ગાળામાં બે ઊંચા શિખરો સર કરવાની આ સિદ્ધિથી હિતેશ પટેલે વડોદરા અને ગુજરાતનું નામ પર્વતારોહણ ક્ષેત્રે ઉજાગર કર્યું છે.




