Baroda

MSU કેમ્પસમાં સતત બીજા દિવસે જૂથ અથડામણ, NSUI અને ABVPના કાર્યકરોની સંડોવણી?

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં સતત બીજા દિવસે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ચં.ચી.મહેતા ઓડિટોરિયમ પાસે મારામારી થઈ હતી. મંગળવારે સાયન્સ ફેકલ્ટીમાં થયેલી મારામારીના પડઘા રૂપે આ ઘટના બની હતી. એક યુવાન બાઇક મૂકીને ભાગી ગયો. યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ સાબિત થતાં સિક્યુરિટી સુપરવાઈઝરે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

MSU કેમ્પસમાં સતત બીજા દિવસે જૂથ અથડામણ, NSUI અને ABVPના કાર્યકરોની સંડોવણી?

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં લુખ્ખાગીરી કરનારાઓને મોકળું મેદાન મળ્યું હોય તેમ આજે સતત બીજા દિવસે પણ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.
મંગળવારે સાયન્સ ફેકલ્ટી બાદ આજે કેમ્પસમાં ચં.ચી.મહેતા ઓડિટોરિયમ પાસે બે જૂથો એક બીજા સાથે બાખડયા હતા. જોત જોતામાં બંને જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. વિદ્યાર્થી આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે સાયન્સ ફેકલ્ટી ખાતે થયેલી મારામારીના જ પડઘા આજે પડયા હતા અને આ મારામારીમાં પણ એબીવીપી અને એનએસયુઆઈના જ કાર્યકરોની સંડોવણી હતી.
મારામારી બાદ ભાગવા જતા એક યુવાનની મોટર સાયકલ પાર્કિંગમાંથી કાર કાઢી રહેલા એક અધ્યાપકની કાર સાથે અથડાઈ હતી. ગભરાયેલો બાઈક સવાર બાઈક ત્યાં જ મૂકીને પલાયન થઈ ગયો હતો.
આ ઘટના બાદ યુનવિર્સિટીના સિક્યુરિટી જવાનો દોડી આવ્યા હતા. સિક્યુરિટી સુપરવાઈઝરે પોલીસને જાણ કરતા પોલીસની પણ કેમ્પસમાં એન્ટ્રી થઈ હતી. એ પછી સિક્યુરિટી સુપરવાઈઝરે સયાજીગંજ પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. જોકે આ ઘટના બાદ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા નકામી છે તેવું ફરી સાબિત થયું છે. યુનિવર્સિટીએ હવે દર વર્ષે કરોડો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચવાના બંધ કરી દેવા જોઈએ તેમ લાગે છે.