વડોદરામાં ગ્રીન ગણેશોત્સવઃયુવક મંડળોએ કૃત્રિમ કુંડ બનાવ્યા,પૂજાપો ઉઘરાવ્યો..આર્ટિફિશિયલ ફ્લાવર્સ બંધ કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્સવ નગરી વડોદરાની શાન ગણાતા ગણેશોત્સવમાં હવે ગણેશજીની ભક્તિની સાથે સાથે પર્યાવરણની પણ જાળવણીનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.શહેરના અનેક જાગૃત મંડળો દ્વારા પર્યાવરણને અનુલક્ષીને ગણેશોત્સવને ઇકો ફ્રેન્ડલી બનાવવા પહેલ કરવામાં આવી છે.
ઇલોરાપાર્કના 'ઇન્દ્રપ્રસ્થ ના રાજા' ના નામે ઉજવાતા ગણેશોત્સવમાં તમામ મંડળો માટે શ્રીજી વિસર્જનની વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે.ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા બનાવેલા ૩૬ x ૧૮ ફૂટના કૃત્રિમ કુંડમાં ૫૫૦૦૦ લીટર પાણી ભરીને આઠ દિવસમાં ૧૭૦૦ થી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે.તરંગ શાહે કહ્યું છે કે,આ વખતે અમે જેટલા પણ ભાવિકો વિસર્જન માટે આવે છે તેમને બંને સમય વિનામૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરી છે.દસ દિવસમાં અંદાજે ૭૦ હજાર લોકો ભોજન લેશે.
આવી જ રીતે ગોત્રી વિસ્તારમાં વીમાના દવાખાના પાસે આવેલા મહાદેવ મંદિર પાસે નીતિન દોંગા દ્વારા બનાવવામાં આવેલા ૩૦ x ૨૦ ફૂટના કૃત્રિમ કુંડમાં એક લાખ લીટર પાણી ભરવામાં આવ્યું છે અને આઠ દિવસમાં ૧૨૦૦૦થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.તો નવાપુરાના શૈલુ ઠાકોર અને પિનલબેન દ્વારા એક રથ બનાવીને ઘેર બેઠા વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે,જેમાં આઠ દિવસમાં ૪૦૦ જેટલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે.
માંજલપુરના કર્તવ્ય યુવક મંડળના ૮૦ યુવકો દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી સ્વખર્ચે રોજ રાત્રે ૩૦૦ જેટલા પંડાલોમાં ફરીને શ્રીજીની પ્રતિમા પરથી ઉતારેલા ફૂલો અને પૂજાપો ઊઘરાવવામાં આવી રહ્યો છે.આઠ દિવસમાં તેમણે ત્રણ છોટા હાથી ટેમ્પા ભરીને પૂજાપો ઊઘરાવ્યો છે.મુકેશસિંહ રાજપૂતે કહ્યું હતું કે અમારા યુવકો પોતાના વાહનો પર ફરીને પર્યાવરણનું મહત્વ સમજાવી રહ્યા છે. પરિણામે,અનેક યુવક મંડળોએ આર્ટિફિશિયલ ફ્લાવર્સના હાર બંધ કર્યા છે.
ચાર દરવાજામાં માંડવી સહિત જર્જરિત ઇમારતો બચાવી લેવા સવારી
અને જુલુસમાં ડીજે બંધ કરવાના નિર્ણયને લોકોએ સ્વીકારી લીધો
ચારદરવાજા વિસ્તારમાં જર્જરિત ઇમારતોને બચાવી લેવા માટે વહીવટીતંત્રએ કરેલી અપીલને તમામ ધર્મના લોકોએ સ્વીકારી લીધી છે.
ચાર દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક માંડવી તેમજ અન્ય જૂની ઇમારતો જર્જરિત થઇ ચૂકી છે અને તહેવારોમાં ડીજેને કારણે આ ઇમારતોને વધુ નુકસાન થતું હતું.જેથી પુરાતત્વ વિભાગના નિષ્ણાતોએ આપેલા અભિપ્રાયમાં ડીજે બંધ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ નિર્ણય બાદ હિન્દુ- મુસ્લિમ સહિતના લોકોએ ચાર દરવાજામાં ડીજે વગાડયું નથી.
નોંધનીય છે કે એક સમય એવો હતો જ્યારે શ્રીજી વિસર્જનમાં ચાર દવાજામાં ડીજેની લાંબી કતાર જામતી હતી અને તેના ઘોંઘાટથી મકાનો પણ ધુ્રજતા હતા.આવી જ રીતે અબીલ-ગુલાલની છોળો ઉડતી હોવાથી રસ્તા પર ચાદર પથરાઇ જતી હતી.જેનું પ્રમાણ પણ ખૂબ ઘટી ગયું છે.મહેતાપોળ યુવક મંડળ તો શ્રીજી વિસર્જનમાં વર્ષોથી ગુલાલને બદલે ૨૦૦ કિલો ફૂલોની વર્ષા કરે છે.
ઘર આંગણે, સોસાયટી અને મહોલ્લામાં સામૂહિક રીતે ગણેશ વિસર્જનનું મહત્વ વધ્યું
30 હજારથી વધુ પ્રતિમાનું ઘરઆંગણે વિસર્જન,પવિત્ર માટીનો પ્લાન્ટેશન માટે ઉપયોગ
એક સમયે તળાવો અને નદીમાં શ્રીજી વિસર્જનનો આગ્રહ રાખવામાં આવતો હતો અને વહેલી સવાર સુધી વિસર્જન ચાલતું હતું.પરંતુ હવે ઘરઆંગણે વિસર્જનનું મહત્વ વધ્યું છે.
ઘર,સોસાયટી કે મહોલ્લામાં સ્થાપના કરાયેલા દુંદાળા દેવને લોકો દોઢ દિવસ, ત્રણ દિવસ,પાંચ,સાત કે દસ દિવસે વિદાય આપતા હોય છે.આ માટે ઘર આંગણે કે સોસાયટીમાં સજાવેલો કુંડ બનાવવામાં આવે છે અને તેમાં સમૂહમાં ભક્તિભાવ પૂર્વક શ્રીજી વિસર્જન કરવામાં આવે છે.એક અંદાજ મુજબ આ પ્રકારે ૩૦ હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
શ્રીજી વિસર્જન દરમિયાન ભાવવાહી દ્શ્યો સર્જાતા હોય છે.ભક્તો બાપ્પાને પૂઢચ્યા વર્ષી લવકરયા..કહીને આવતા વર્ષે વહેલા પધારવા આમંત્રણ આપતા હોય છે.ત્યારબાદ શ્રીજીની પવિત્ર માટીને ઘરના કુંડાઓમાં પાથરવામાં આવતી હોય છે.




