Baroda

ગરબાના આયોજકોને વડોદરા પાલિકાના મેદાનોની એક રૂપિયા ટોકનથી લ્હાણી

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા નવરાત્રી 2026 માટે ગરબા આયોજકોને પ્લોટ-જમીન ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 25 અરજીઓમાંથી યોગ્ય અરજદારોને મેદાનો ફાળવવાનો નિર્ણય સ્થાયી સમિતિએ મંજૂર કર્યો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને જુના પાદરા રોડ, સંવેદન ચેરીટેબલ ટ્રસ્ટને ગોત્રી અને શ્રી આશાપુરી માં ચેરીટેબલ ટ્રસ્ટને જય અંબે ગરબા મેદાન મળ્યા. બરોડા આઇટી એસોસિએશનને અકોટા સ્ટેડિયમ મળ્યું છે. આ મેદાનો ₹1 પ્રતિ દિવસના ભાડે અપાયા છે, પરંતુ નશાકારક ચીજવસ્તુઓની જાહેરાત અને ઇમરજન્સી વાહનોની સરળ અવરજવર જેવી શરતોનું પાલન કરવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગરબાના આયોજકોને વડોદરા પાલિકાના મેદાનોની એક રૂપિયા ટોકનથી લ્હાણી

Vadodara Corporation : વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ-2026 અંતર્ગત ગરબા આયોજકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ, જમીન અને રસ્તાઓ ગરબાના આયોજન માટે ફાળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. મેદાન ફાળવણી માટે આયોજકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવતા કુલ 25 અરજીઓ મળી હતી. આ અરજીઓ પૈકી યોગ્ય અરજદારોને મેદાનો ફાળવવાનો નિર્ણય સ્થાયી સમિતિએ શુક્રવારે મંજૂર કર્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વડોદરા દ્વારા 25 સપ્ટેમ્બરના ગરબા આયોજન માટે જુના પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળના મેદાન તેમજ ગોત્રી ખાતે કોલાબેરા પાછળના મેદાનની માંગણી કરવામાં આવી હતી. ગોત્રીના મેદાન માટે સંવેદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ અરજી કરવામાં આવી હતી. બંને અરજીઓમાંથી જુના પાદરા રોડનું મેદાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને જ્યારે ગોત્રીનું મેદાન સંવેદન ચેરીટેબલ ટ્રસ્ટને ફાળવવામાં આવ્યું છે.
ટીપી-3, એફબી-843 ખાતે આવેલા જય અંબે ગરબા મેદાન માટે શ્રી આશાપુરી માં ચેરીટેબલ ટ્રસ્ટ અને જય અંબે યુવક મંડળ ગરબા મહોત્સવ દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ મેદાન શ્રી આશાપુરી માં ચેરીટેબલ ટ્રસ્ટને ફાળવવામાં આવ્યું છે.
આ ઉપરાંત બરોડા આઇટી એસોસિએશન દ્વારા 1થી 25 ઓક્ટોબર દરમિયાન ગરબા આયોજન માટે અકોટા સ્ટેડિયમની માંગણી કરવામાં આવી હતી, જેને પણ મંજૂરી આપવામાં આવી છે.
પાલિકા દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા આયોજન માટે પોતાના પ્લોટ અને મેદાનો માત્ર રૂ.1 પ્રતિ દિવસના ભાડાથી ફાળવવામાં આવે છે. જોકે, મેદાન ફાળવણી સાથે આયોજકો માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. ગરબા સ્થળે નશાકારક ચીજવસ્તુઓની જાહેરાત કરવા પર પ્રતિબંધ રહેશે. ગરબાના પ્રવેશદ્વાર એવી રીતે બનાવવાના રહેશે કે ઇમરજન્સી વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે.
તમામ આયોજકોએ જરૂરી વીમો લેવાનો રહેશે. સાથે જ ગરબા સ્થળે ખેલૈયાઓ અને ઉપસ્થિત નાગરિકોને દરરોજ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવવાની રહેશે. શરતોના પાલન સાથે હવે ગરબા આયોજકોને પાલિકાના મેદાનોની ફાળવણી કરવામાં આવી છે.