ગાયકવાડી દિશા સૂચક થાંભલાઓ દબાણમાં ગાયબ : 10 સ્થળે ખોદકામ કરો ત્યારે પાણી, ડ્રેનેજ અને ગેસ લાઈનો મળે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરને પાણી પુરવઠો પહોંચાડવા માટે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે દાયકાઓ પહેલાં જ દૂરંદેશી આયોજન કર્યું હતું. આજવા સરોવરથી વડોદરા શહેર સુધી પાણી ગ્રેવિટીથી પહોંચી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને વર્ષોથી શહેરને આજવા સરોવરમાંથી ગ્રેવિટીથી પાણી મળી રહ્યું છે. પરંતુ આજના આધુનિક યુગમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ફરી આયોજનનો અભાવ સામે આવ્યો છે. કેનાલ, હાઈવે ક્રોસિંગ અને પાણીની લાઈનનો સી આકાર સહિતના અવરોધોને કારણે શહેર સુધી પાણી ગ્રેવિટીથી પહોંચાડવાનું આયોજન નિષ્ફળ જવાની આશંકા છે.
ગાયકવાડી શાસનકાળમાં પાણીની લાઈન કઈ દિશામાં જાય છે તેની ઓળખ અને માર્ગ નક્કી કરવા માટે લોખંડના મોટા દિશા સૂચક થાંભલાઓ પણ મૂકવામાં આવ્યા હતા. દૂરંદેશી વિચારસરણી સાથે કરવામાં આવેલા આ આયોજનની વર્ષો બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાએ યોગ્ય રીતે જાળવણી કે સુરક્ષા કરી નથી. જેના કારણે આજે અનેક સ્થળોએ આ ઐતિહાસિક થાંભલાઓ લોકોના મકાનો અને દુકાનોના દબાણમાં આવી ગયા છે.
ગાંધીનગર ગૃહની સામે રબડી વાલાની દુકાન ખાતે આવો જ એક થાંભલો દુકાનના દબાણમાં નજરે પડે છે.
શહેરમાં વિકાસ અને ભૂગર્ભ યુટિલિટી લાઈનોના આયોજનમાં રહેલી અંધાધૂંધી પણ સ્પષ્ટ થઈ રહી છે. ખોદકામ કરે ત્યારે પાણી, ડ્રેનેજ અને ગેસની તૂટી જાય છે. અનેક સ્થળોએ ભૂગર્ભ લાઈનોનું ચોક્કસ આયોજન અને સંકલન ન હોવાથી કામગીરી દરમિયાન સમસ્યાઓ ઊભી થતી રહે છે. એક તરફ ગાયકવાડી શાસનમાં પાણીની લાઈનની દિશા નક્કી કરવા માટે લોખંડના મજબૂત દિશા સૂચક થાંભલા મૂકવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ આજના સમયમાં કોર્પોરેશનને પોતાની જ લાઈનોનું ચોક્કસ આયોજન અને મેપિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાની બેદરકારીને કારણે ગાયકવાડી શાસનકાળના અનેક દિશા સૂચક થાંભલા આજે ગાયબ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે કેટલાક થાંભલા લોકોના ઘરો અને દુકાનોના દબાણમાં ઢંકાઈ ગયા છે. શહેરના ઐતિહાસિક અને પાણી પુરવઠાના મહત્વના આયોજન સાથે જોડાયેલા આ થાંભલાઓની કોઈએ યોગ્ય રીતે દરકાર લીધી ન હોવાનું સ્પષ્ટ થાય છે.




