Baroda

મહીસાગરમાં ફ્રેન્ચવેલની ક્ષમતા ઘટતા ડીસિલ્ટિંગની કામગીરી : રૂ.59.27 લાખના અંદાજ સામે રૂ.76.46 લાખમાં ડીસિલ્ટિંગ

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશને ફાજલપુર ફ્રેન્ચવેલની સફાઈ માટે અંદાજિત રકમ કરતાં 29% વધુ ખર્ચ કર્યો છે. વરસાદને કારણે મહીસાગર નદીમાં કાદવ-રેતી જમા થતાં પંપો ચાલતા નહોતા. શહેરને 72 MLD પાણી પૂરું પાડતા ફાજલપુર ફ્રેન્ચવેલમાં તાત્કાલિક ડીસિલ્ટિંગ જરૂરી બન્યું. 59.27 લાખના અંદાજ સામે 76.46 લાખનો ખર્ચ કરાયો, જેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગરમાં ફ્રેન્ચવેલની ક્ષમતા ઘટતા ડીસિલ્ટિંગની કામગીરી :  રૂ.59.27 લાખના અંદાજ સામે રૂ.76.46 લાખમાં ડીસિલ્ટિંગ

Vadodara Corporation : વડોદરા શહેરના પાણી પુરવઠાના મહત્વના સ્ત્રોત પૈકીના ફાજલપુર ફ્રેન્ચવેલ કુવાની સફાઈ માટે વડોદરા મહાનગરપાલિકાએ અંદાજિત રકમ કરતાં 29 ટકા વધુ ખર્ચ કર્યો છે. વરસાદના કારણે મહીસાગર નદીમાં ઉપરવાસમાંથી નવા પાણીની આવક થતાં ફાજલપુર ફ્રેન્ચવેલની આસપાસ મોટા પ્રમાણમાં કાદવ અને રેતી જમા થઈ ગઈ હતી. જેના કારણે પૂરતા પ્રમાણમાં પંપો ચલાવી શકાતા ન હોવાથી તાત્કાલિક ડીસિલ્ટિંગ એટલે કે ડ્રેજિંગની કામગીરી કરાવવી પડી હતી. અંદાજે રૂ.59.27 લાખની કામગીરી માટે રૂ.76.46 લાખનો ખર્ચ કરવાની સંમતિ આપવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ હસ્તક મહીસાગર નદીમાં ફાજલપુર, રાયકા, દોડકા અને પોઇચા ખાતે કુલ ચાર ફ્રેન્ચવેલ આવેલા છે. ઉપરાંત દોડકા ખાતે ઇન્ટેકવેલ પણ આવેલો છે. આ પૈકી ફાજલપુર ફ્રેન્ચવેલ દ્વારા વડોદરા શહેરને દરરોજ આશરે 72 એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે.
મહીસાગર નદીમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ફાજલપુર ફ્રેન્ચવેલની આસપાસ મોટા પ્રમાણમાં લેયરિંગ અને સિલ્ટિંગ થઈ ગયું હતું. કાદવ અને રેતીના જમાવટના કારણે જરૂરી સંખ્યામાં પંપો ચલાવી શકાતા ન હતા. શહેરના પાણી પુરવઠાને અસર ન થાય તે માટે નદીના તટ વિસ્તારમાં હાઈ-માઉન્ટેડ એન્જિન દ્વારા ડીસિલ્ટિંગની કામગીરી કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી.
આ કામગીરી જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ કોન્ટ્રાક્ટર જે.વી.કન્સ્ટ્રક્શનને 15 એપ્રિલે વર્ક ઓર્ડર આપીને કરાવવામાં આવી હતી. રૂ.59,27,500ની અંદાજિત રકમ સામે ભાવ ઘટાડો કર્યા બાદ પણ કોન્ટ્રાક્ટરે અંદાજ કરતાં 29 ટકા વધુ એટલે કે રૂ.76,46,475માં કામગીરી કરવા સંમતિ દર્શાવી હતી.
આમ, અંદાજિત ખર્ચ કરતાં આશરે રૂ.17.18 લાખ વધુ ખર્ચ સાથે ફાજલપુર ફ્રેન્ચવેલની આસપાસ ડ્રેજિંગની કામગીરી કરાવવામાં આવી છે. જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ કરાયેલી આ કામગીરી અને તેના વધારાના ખર્ચની જાણ સ્થાયી સમિતિને કરવા માટે દરખાસ્ત આગામી બેઠક સમક્ષ રજૂ કરવામાં આવી છે.