Baroda

પાદરાની કંપની સાથે અડધા કરોડનો ફ્રોડ આસામની કંપનીના ડિરેક્ટરની સાયબર ઠગાઇમાં ધરપકડ

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના ડભાસા ગામે આવેલી સુપરટેક ફેબ્રિક કંપનીના ડિરેક્ટરના નામે સાયબર ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ₹50 લાખ પડાવ્યા હતા. આ મામલે પોલીસે આસામથી એક કંપનીના ડિરેક્ટર બોની મેઇટેઇ નોંત્રથોમ્બમની ધરપકડ કરી છે. ગુવાહાટીથી ઝડપાયેલા આ ભેજાબાજને પાદરા કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવાયા છે. અન્ય ઠગાઈમાં પણ તેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાદરાની કંપની સાથે અડધા કરોડનો ફ્રોડ આસામની કંપનીના ડિરેક્ટરની સાયબર ઠગાઇમાં ધરપકડ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામે આવેલી કંપનીના ડિરેક્ટરના પ્રોફાઇલ પિક્ચર સાથે વોટ્સએપ પર મેસેજ કરી કંપનીના એકાઉન્ટન્ટ પાસે રૃા.૫૦ લાખની માંગણી કરી સાયબર ગઠિયાઓએ પોતાના બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના કેસમાં આસામની એક કંપનીના ડિરેક્ટરની પોલીસે ધરપકડ કરી છે.
ડભાસા ગામે આવેલી સુપરટેક ફેબ્રિક પ્રા.લી. કંપનીના સિનિયર એકાઉન્ટન્ટ હિનલ પટેલના મોબાઇલ પર કંપનીના ડિરેક્ટર ઉત્સવ રાજીવ ગુપ્તાના પ્રોફાઇલવાળા અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આપ્યો હતો અને રૃા.૫૦ લાખની માંગણી કરતા એકાઉન્ટન્ટે તાત્કાલિક કંપનીના એકાઉન્ટમાંથી રૃા.૫૦ લાખ આસામની કંપની નામી અહેન ઔષધિયા પ્રા.લી.ના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતાં.
બોસના નામે થતા સાયબર ક્રાઇમનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ ડિરેક્ટર ઉત્સવ ગુપ્તાએ વડોદરાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસની એક ટીમ આસામ ગઇ હતી અને બેન્ક એકાઉન્ટની વિગતો એકત્ર કરી જે કંપનીના એકાઉન્ટમાં રકમ જમા થઇ હતી તેના ડિરેક્ટર બોની મેઇટેઇ નોંત્રથોમ્બમ (રહે.આશિયાના રેસિડેન્સયલ, ચંદનનગર, ગુવાહટી, જિલ્લો કામરુપમેટ્રો, આસામ)ને તેના ઘરમાંથી ઝડપી પાડયો હતો.
પોલીસ સાયબર ગઠિયાને વડોદરા લઇ આવી હતી અને પાદરાની કોર્ટમાં રજૂ કરી તેની વધુ તપાસ માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આસામના ઝડપાયેલા ભેજાબાજે અન્ય સાયબર ઠગાઇ પણ કરી હોવાની વિગતો બહાર આવી છે.