Baroda

મોહસીન ભાગી જતા રેલવે પોલીસના ASI સહિત ચાર પોલીસ સસ્પેન્ડ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
ટ્રેનોમાં લૂંટ કરતી બદામ ગેંગના ફરાર આરોપી મોહસીનને ગોધરાથી પોલીસે ઝડપી પાડ્યો છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ સયાજી હોસ્પિટલમાંથી તે ભાગી છૂટ્યો હતો. નશાની આદતને કારણે તે મિત્રને મળવા ગોધરા પહોંચ્યો હતો. આ ઘટનામાં ફરજમાં બેદરકારી બદલ 1 ASI સહિત રેલવેના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોહસીન ભાગી જતા રેલવે પોલીસના ASI સહિત ચાર પોલીસ સસ્પેન્ડ

ટ્રેનોમાં ચોરી, લૂંટ સહિતના ગંભીર ગુનાઓ આચરતી બદામ ગેંગ ગોધરા સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયા બાદ ફરાર થઇ ગયેલા આરોપી મોહસીનને નશો કરવાની આદત હોવાથી તે ગોધરા પહોંચ્યો અને પોલીસે તેને ઝડપી પાડયો હતો. બીજુ બાજુ સયાજી હોસ્પિટલમાં તે ભાગી જવાની ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવનાર એક એએસઆઇ સહિત રેલવેના ચાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રેલવે પોલીસ દ્વારા બદામ ગેંગ ગોધરાની ગેંગના ૧૫ આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ રેલવેના ડીવાયએસપીએ ગોધરામાં રહેતા સલીમ ઉર્ફે ચકલી એહમદ સઇદ મેંદા અને મોહસીન સુલેમાન મીંઢીને ઝડપી પાડી બંનેના રિમાન્ડ મેળવ્યા હતાં. દરમિયાન ગઇકાલે સયાજી હોસ્પિટલમાંથી મોહસીન રેલવે પોલીસના જાપ્તાના માણસોને ચકમો આપી ફરાર થઇ જતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે ભારે દોડધામ કરી આખરે મોહસીનને ગોધરા ખાતેથી ઝડપી પાડયો હતો.
રેલવેના એસપી અભયસિંહ સોનીએ જણાવ્યું હતું કે સયાજી હોસ્પિટલમાંથી ભાગીને મોહસીન ગોલ્ડન ચોકડી પહોંચ્યો હતો અને બે વખત ઇકોમાં બેસી તે ગોધરા ગયો હતો. તેને નશો કરવાની આદત હોવાથી તે મિત્રને મળવા પહોંચ્યો અને આખરે ઝડપાઇ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે પાંચ કફ સિરપની બોટલ અને બાદમાં મીઠી ચા પીવે એટલે તેને નશો થતો હતો.
દરમિયાન ફરજમાં નિષ્કાળજી દાખવનાર ગોધરા રેલવે પોલીસમાં ફરજ બજાવતા એએસઆઇ ગિરવતસિંહ કેશરીસિંહ, પો.કો. વિરેન્દ્રસિંહ ચંપકસિંહ અને ચિરાગ જીતેન્દ્રસિંહ તેમજ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હે.કો.કમલેશ નાનુભાઇને રેલવે એસપીએ સસ્પેન્ડ કરી દઇ તેઓ વિરુધ્ધ ઇન્કવાયરી બેસાડવામાં આવી છે.