Baroda

મુંબઈમાં ખરાબ હવામાનને કારણે ચાર ફ્લાઇટ્સ વડોદરા ડાયવર્ટ કરાઈ

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
ખરાબ હવામાનને કારણે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ ખોરવાતા 4 ફ્લાઇટ્સને વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાની હૈદરાબાદ, વિજયવાડા, ઇન્દોરથી આવતી ફ્લાઇટ્સ અને ઇન્ડિગોની દિલ્હીથી આવતી ફ્લાઇટ AI 2447, AI 599, AI 1780 અને 6E 329 વડોદરામાં ઉતરી હતી. મુસાફરોની સુરક્ષાને પ્રાધાન્ય આપી તમામનું સફળ લેન્ડિંગ કરાયું હતું. મોડી રાત્રે 9.30 વાગ્યે હવામાન સુધરતા હૈદરાબાદની ફ્લાઇટ રવાના થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં ખરાબ હવામાનને કારણે ચાર ફ્લાઇટ્સ વડોદરા ડાયવર્ટ કરાઈ

Baroda News : મુંબઈ એરપોર્ટ પર ખરાબ હવામાન હોવાના કારણે આજે ફ્લાઇટ સેવાઓ ખોરવાઇ હતી અને તેના કારણે  મુંબઈ જતી કુલ ચાર ફ્લાઇટ્સને સુરક્ષિત રીતે વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવતા વડોદરા એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તમામ ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા મળેલી સત્તાવાર  માહિતી મુજબ ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સમાં એર ઇન્ડિયાની હૈદરાબાદથી મુંબઈ જતી ફ્લાઇટ એઆઇ ૨૪૪૭, વિજયવાડાથી મુંબઈ જતી ફ્લાઇટ એઆઇ ૫૯૯ અને ઇન્દોરથી મુંબઈ જતી ફ્લાઇટ એઆઇ૧૭૮૦ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઇન્ડિગો એરલાઇનની દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ ૬ઈ ૩૨૯ પણ વડોદરા એરપોટ પર ઉતારવામાં આવી છે. મુંબઈ ખાતે સર્જાયેલા  ખરાબ હવામાનના કારણે આ તમામ વિમાનો નિર્ધારિત સમયે મુંબઇ પહોંચી શક્યા ન હતા, જેથી પાઇલટ્સ અને એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો હતો.

હાલમાં આ તમામ ફ્લાઇટ્સ વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાર્ક કરવામાં આવી છે અને એરપોર્ટ પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે જરૃરી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં હવામાનની સ્થિતિમાં સુધારો થયા બાદ આ તમામ ફ્લાઇટ્સ રવાના થશે. હવામાનમાં સુધારો નોંધાતા મોડી રાત્રે ૯.૩૦ કલાકે હૈદરાબાદની ફ્લાઇટ રવાના થઇ હતી.