Baroda

પહેલી વખત સીએ ફાઈનલના વિદ્યાર્થીઓ સ્કૂલોના વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરશે

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ICAI ચેપ્ટર દ્વારા 21 ઓગસ્ટે 25 સ્કૂલોના 7000 વિદ્યાર્થીઓને CA બનવા પ્રોત્સાહિત કરાશે. ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને CA અને કોમર્સની તકો, અભ્યાસ પદ્ધતિ અને ભારતને કેટલા CAની જરૂર છે તેની માહિતી અપાશે. આ ઉપરાંત, CMAના વિદ્યાર્થીઓ માટે ભાયલીમાં 8 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનશે, જ્યાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલી વખત સીએ ફાઈનલના વિદ્યાર્થીઓ સ્કૂલોના વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરશે

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયાના વડોદરા ચેપ્ટર દ્વારા પહેલી વખત એક જ દિવસમાં ૨૫ સ્કૂલોના ૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને સીએ કરવા માટે પ્રોત્સાહિત કરવા તા.૨૧ ઓગસ્ટના રોજ કેરિયર કાઉન્સિલિંગ કરવામાં આવશે.
મળતી જાણકારી પ્રમાણે હાલમાં વડોદરામાં દર વર્ષે ૨૫૦૦ જેટલા નવા વિદ્યાર્થીઓ સીએ કરવા માટે જોડાય છે.અત્યારે ફાઉન્ડેશનથી લઈને ફાઈનલ સુધી ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.વડોદરા ચેપ્ટરની વિદ્યાર્થીઓની બ્રાન્ચના પ્રમુખ જીગર શાહનું કહેવું છે કે, આગામી એક થી બે વર્ષમાં આ સંખ્યા ૧૦૦૦૦ પર પહોંચાડવાનું લક્ષ્ય છે.
આ માટે વિદ્યાર્થીઓને જાણકારી આપવા માટે એક સાથે ૨૫ જેટલી સ્કૂલોમાં ધો.૯ થી ૧૨ અને ખાસ કરીને ધો.૧૧-૧૨ના વિદ્યાર્થીઓને સીએની સાથે સાથે કોમર્સના ક્ષેત્રમાં રહેલી તકોની, સીએનો અભ્યાસ કેવી રીતે શરુ કરી શકાય, ભારતને કેટલા સીએની જરુર છે જેવી તમામ પ્રકારની જાણકારી પૂરી પાડશે.દરેક સ્કૂલમાં એક સીએની સાથે સાથે સીએ ફાઈનલના એક વિદ્યાર્થીને મોકલવાનું નક્કી કરાયું છે.આમ સીએ કરી રહેલા વિદ્યાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરશે.

૮૦૦ વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકશે
સીએમએના વિદ્યાર્થીઓ માટે આઠ કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવાશે
કોમ્પ્યુટર લેબ, સ્ટડી રુમ, લાઈબ્રેરી, ક્લાસરુમ કોન્ફરન્સ હોલ સહિતની સુવિધાઓ હશે
ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાના વડોદરા ચેપ્ટર દ્વારા કોસ્ટ એકાઉન્ટન્ટસના વિદ્યાર્થીઓ માટે આઠ કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવાયો છે.શહેરના ભાયલી વિસ્તારમાં આ બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.સીએમએના વડોદરા ચેપ્ટરના ચેરમેન અમૃતા વ્યાસનું કહેવું હતું કે, આ બિલ્ડિંગમાં એક સાથે ૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.બિલ્ડિંગમાં લાઈબ્રેરી, અત્યાધુનિક કોમ્પ્યુટર સેન્ટર, સ્ટડી રુમ, ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ તથા વિદ્યાર્થીઓ માટે ત્રણ વિશાળ ક્લાસરુમ સહિતની સુવિધાઓ હશે.અત્યારે વડોદરામાં ૭૦૦ વિદ્યાર્થીઓ સીએમએનો અભ્યાસ કરી રહ્યા છે.આ બિલ્ડિંગનું પ્લાનિંગ આવનારા ૫૦ વર્ષ સુધી વિદ્યાર્થીઓની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને કરાયું છે.બે વર્ષમાં બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે.