Baroda

વડોદરાના કરોડીયા માર્ગ પર ભુવો પડ્યો : સામાજિક કાર્યકર દ્વારા પૂજન કરી અનોખો વિરોધ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના વોર્ડ 8માં વૃંદાવન ચાર રસ્તા-કરોડીયા માર્ગ પર દ્વારકેશ સોસાયટી પાસે શુક્રવારે સવારે અચાનક 6-7 ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક વૃક્ષની ડાળીઓ મૂકી આડશ ઊભી કરી વાહનચાલકોને સાવચેત કર્યા. સામાજિક કાર્યકર શબ્બીર ચૌહાણે ભુવા પૂજન કરી, તંત્રને સદબુદ્ધિ મળે અને માર્ગોની ગુણવત્તા સુધરે તેવી પ્રાર્થના કરી. તેમણે હલકી ગુણવત્તાના કારણે ભુવા પડતા હોવાનો આક્ષેપ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના કરોડીયા માર્ગ પર ભુવો પડ્યો : સામાજિક કાર્યકર દ્વારા પૂજન કરી અનોખો વિરોધ

Vadodara Potholes : વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલા વૃંદાવન ચાર રસ્તા-કરોડીયા માર્ગ પર દ્વારકેશ સોસાયટી પાસે શુક્રવારે સવારે મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. માર્ગની વચ્ચે પડેલો ભુવો અંદાજે 6થી 7 ફૂટ જેટલો ઊંડો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. મુખ્ય માર્ગ પર જ ભુવો પડ્યો હોવા છતાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક રહીશોએ તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા.
ભુવામાં કોઈ વાહનચાલક કે રાહદારી પડી ન જાય તે માટે સ્થાનિકોએ તેની અંદર વૃક્ષની ઊભી ડાળીઓ મૂકી આડશ ઊભી કરી હતી. આ રીતે વાહનચાલકોને દૂરથી જ ભુવો દેખાય અને તેઓ સાવચેત થઈ શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, મુખ્ય માર્ગ પર ઊંડો ભુવો પડ્યો હોવાના કારણે માર્ગની સલામતી અને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
માર્ગ પર વારંવાર સર્જાતી આવી સમસ્યા સામે સામાજિક કાર્યકર શબ્બીર ચૌહાણે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ભુવા પાસે નાળિયેર ફોડી અગરબત્તી કરી તેનું પૂજન કર્યું હતું. તંત્રને સદબુદ્ધિ મળે અને માર્ગોની ગુણવત્તા અંગે ગંભીરતાથી કામગીરી કરવામાં આવે તે માટે પ્રાર્થના કરી હતી. શબ્બીર ચૌહાણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, માર્ગની હલકી ગુણવત્તાની કામગીરીને કારણે શહેરમાં વારંવાર ભુવા પડી રહ્યા છે. ભુવા પડવાની ઘટનાઓ બાદ જવાબદાર અધિકારીઓ, કાઉન્સિલરો અને કોન્ટ્રાક્ટરો સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે આવી સમસ્યાઓનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.