વડોદરામાં દશામા આગમન યાત્રામાં મારામારી : ધમાલનો વીડિયો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરમાં હાલ દશામાના વ્રતની આસ્થાભેર ઉજવણીની પૂર્વ તૈયારી ચાલી રહી છે, ત્યારે ધાર્મિક ઉત્સવના માહોલ વચ્ચે ઠેકારનાથ સાર્વજનિક મંડળ દ્વારા આયોજિત દશામાંની આગમન યાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા અડચણ ઉભી કરી ધમાલ મચાવવામાં આવી હતી, જેના કારણે થોડા સમય માટે વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું. શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાના પર્વ વચ્ચે શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે.
માતાજીની આગમન યાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા છૂટા હાથની મારામારી કરી યાત્રાની શાંતિ ડહોળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
દશામાની આ આગમન યાત્રા જ્યારે કિશનવાડી ગધેડા માર્કેટ પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન કેટલાક અસમાજિક તત્વોએ યાત્રામાં દખલગીરી કરી હતી અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. મામલો એટલો વધી ગયો કે ત્યાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. આ અણધારી ઘટનાને કારણે યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. ધાર્મિક કાર્યક્રમમાં આ પ્રકારે અડચણ ઊભી થતાં ભક્તોની લાગણી દુભાઈ હતી.
આ બનાવના વિડીયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઉપદ્રવી તત્વો દ્વારા મચાવવામાં આવેલી અફરાતફરી સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ વડોદરા પોલીસ તથા વહીવટી તંત્ર સમક્ષ કડક કાર્યવાહીની જોરદાર માંગ ઉઠી છે. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓની માંગ છે કે આવા ધાર્મિક ઉત્સવોમાં પવિત્રતા ભંગ કરતા અને કાયદો-વ્યવસ્થા જોખમમાં મૂકતા અસામાજિક તત્વો સામે દાખલારૂપ પગલાં લેવાવા જોઈએ, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં દશામાંના આગમનની આ પહેલી ઘટના નથી. આ અગાઉ માત્ર ચાર દિવસ પૂર્વે જ વારસિયા વિસ્તારમાં પણ દશામાંની આગમન યાત્રા દરમિયાન આવી જ રીતે મારામારી થઈ હતી. વારંવાર બનતી આવી ઘટનાઓ દર્શાવે છે કે કેટલાક તત્વો શહેરમાં જાણી જોઈને સાંપ્રદાયિક કે સામાજિક વાતાવરણ બગાડવા માંગે છે. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.









