હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી હવે ભાજપની આંતરિક લડાઈમાં ફેરવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલના શ્રીજીની આગમનયાત્રામાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી મારામારી હવે ભાજપની આંતરિક લડાઈમાં ફેરવાઈ ગઈ છે.ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના પોલીસ સામે દેખાવો બાદ આઈસા-વીવીએસ ( ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ગુ્રપ અને વિદ્યાર્થી વિકાસ સંઘ) ગુ્રપના વિદ્યાર્થીઓ પર એટ્રોસિટિની ફરિયાદ દાખલ થઈ છે.જેની સામે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ બુધવારે સયાજીગંજ પોલીસ મથકે દેખાવો કર્યા હતા.
એ પછી મોડી રાત્રે એબીવીપીના વેદ ત્રિવેદીએ આઈસા અને વીવીએસ ગુ્રપના વિદ્યાર્થીઓના સાંસદ તથા ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગ જોષી સાથેના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર મૂકયા હતા.એબીવીપીના આગેવાનનું કહેવું છે કે, મારામારી કરનારાઓ સાંસદના સમર્થકો છે.એબીવીપીના કાર્યકરો પર હુમલો કરનારાઓમાં યુવા મોરચાના કાર્યકરો પણ હતા.તેમનું યુનિવર્સિટીમાં શું કામ છે?
બીજી તરફ આઈસા અને વીવીએસ ગુ્રપના ધુ્રવ રાવલ અને બીજા વિદ્યાર્થીઓએ આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, અમારા ચાર વિદ્યાર્થીઓ સામે ખોટી રીતે એટ્રોસિટિની ફરિયાદ કરાઈ છે .ભાજપની આંતરિક લડાઈમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ થઈ રહ્યો છે.અમે પણ એક કે બીજી રીતે ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા છે.એટલે સાંસદ સાથે અમારા ગુ્રપના વિદ્યાર્થીઓના ફોટા હોય તે સ્વાભાવિક છે.મારામારીમાં ભાજપના પૂર્વ મેયર સુનિલ સોલંકીના પુત્રને ભૂલથી વાગી ગયું હતું.અમે માફી માગવાનો પ્રયાસ પણ કર્યો હતો.શક્ય છે કે, સુનિલ સોલંકી આગામી વિધાનસભામાં ટિકિટ માટે સહાનુભૂતિ મેળવવા આ ઘટનાનો ઉપયોગ કરવા માગતા હોય.
વીવીએસ અને આઈસા ગુ્રપના નેતાઓના સબંધો કોંગ્રેસ સાથે પણઃ એબીવીપી
એબીવીપીએ વળતા આક્ષેપો કરતા કહ્યું હતું કે, આઈસા અને વીવીએસ ગુ્રપના આગેવાનોના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વ્યક્તિગત અને રાજકીય સબંધો છે.એબીવીપીના કાર્યકર આશિષ સોલંકી માટે મારામારીની ઘટનામાં જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરાયો હતો.સ્વાભાવિક છે કે તેના પિતા તરીકે સુનિલ સોલંકી તેની સાથે ઉભા રહે પણ તેને ૨૦૨૭ની ચૂંટણી સાથે જોડીને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરાયો છે.




