વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Vishwamitri River : વિશ્વામિત્રી નદીના કોતરમાં કચરો ઠાલવવાની વધતી સમસ્યાને રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મંગલ પાંડે બ્રિજથી અગોરા મોલ સુધીના વિસ્તારમાં રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરવાની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.
ઉત્તર ઝોનના વહીવટી વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 3 વચ્ચે આવેલા મંગલ પાંડે બ્રિજથી અગોરા મોલ સુધીના માર્ગની બાજુમાં વિશ્વામિત્રી નદીના કિનારે લોકો દ્વારા કચરો ઠાલવવાની અને ગંદકી ફેલાવવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા નદીના કિનારે સફાઈ અને રી-સેક્શનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત રાત્રી બજારથી મંગલ પાંડે બ્રિજ સુધીના વિસ્તારમાં ગાર્ડન વિકસાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ કામગીરી અંતર્ગત નદીની બંને તરફ કુલ 1,370 મીટરની લંબાઈમાં એમ.એસ. ગ્રીલ ફેન્સિંગ કરવામાં આવશે. સફાઈ કામગીરી માટે નદીના પટમાં મશીનરી અને કર્મચારીઓ સરળતાથી પહોંચી શકે તે માટે બંને તરફ ચાર ગેટ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
કોર્પોરેશને રૂ.80.46 લાખના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રથમ પ્રયાસમાં ત્રણ ઈજારદારો ટેકનિકલી ક્વોલિફાય થયા હતા. તે પૈકી મે. એમ.આર.એન્ટરપ્રાઇઝે અંદાજિત કિંમત કરતાં 9 ટકા ઓછા ભાવે રૂ.73,22,290માં કામગીરી કરવાની સંમતિ આપી છે.
આ કામગીરીને મંજૂરી આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.









