ફતેગંજ કસ્ટોડિયલ ડેથ કેસ: પરીક્ષા આપવા જામીન માગનાર તત્કાલીન PI ગોહિલને કોર્ટનો મોટો આંચકો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fatehgunj Custodial Death Case : વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનના કસ્ટોડિયલ ડેથ કેસમાં જેલમાં બંધ તત્કાલીન પી.આઈ. ધર્મેન્દ્રસિંહ ગોહિલને અદાલત તરફથી મોટો આંચકો લાગ્યો છે. પરીક્ષા આપવાના બહાને 10 દિવસના વચગાળાના જામીન માગતી તેમની અરજી વડોદરાની અદાલતે નામંજૂર કરી દીધી છે.
ન્યાયાધીશે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે ગંભીર ગુનાના આરોપીઓને વારંવાર અસ્થાયી જામીન આપી શકાય નહીં.
ચોરીની આશંકાએ લવાયેલા વૃદ્ધ શેખબાબુનું કસ્ટડીમાં નીપજ્યું હતું મોત
ચોરીની શંકાના આધારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા વૃદ્ધ શેખબાબુ ઉર્ફે નિસારને અસહ્ય શારીરિક ત્રાસ આપી તેમનું મોત નિપજાવવાનો ગંભીર બનાવ બન્યો હતો. આ ચકચારી કસ્ટોડિયલ ડેથ બનાવ અંગે તત્કાલીન પી.આઈ., પી.એસ.આઈ. સહિત કુલ 6 પોલીસકર્મીઓ સામે હત્યા તથા પુરાવાનો નાશ કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં હાલ આરોપીઓ જેલમાં બંધ છે.
હ્યુમન રાઇટ્સની પરીક્ષાનું બહાનું અને જામીન માટેની રજૂઆત
હાલ જેલમાં રહેલા આરોપી તત્કાલીન પી.આઈ. ધર્મેન્દ્રસિંહ ગોહિલે અદાલતમાં 10 દિવસના અસ્થાયી જામીન માટે રજૂઆત કરી હતી. તેમની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા આયોજિત 'ડિપ્લોમા ઇન હ્યુમન રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ' અને 'ડિપ્લોમા ઇન ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ' ની લેખિત પરીક્ષા આપવાની હોવાથી જામીન આપવામાં આવે.
સરકારી વકીલની દલીલો અને કોર્ટનું કડક વલણ
મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈએ જામીન અરજીનો આકરો વિરોધ કરતાં દલીલ કરી હતી કે કેસનો ટ્રાયલ શરૂ થઈ ચૂક્યો છે. આરોપી અવારનવાર કોઈને કોઈ બહાને જેલ બહાર રહેવાનો પ્રયાસ કરે છે, તેથી ગુનાની ગંભીરતા જોતાં જામીન ન આપવા જોઈએ.
અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી રદ કરી હતી અને નોંધ્યું હતું કે, ઓપન યુનિવર્સિટીમાં દર 2 થી 3 મહિને પરીક્ષાઓ યોજાતી હોય છે, પરંતુ માત્ર પરીક્ષાના બહાને વારંવાર જામીન આપી શકાય નહીં. અસ્થાયી જામીનનો મુખ્ય હેતુ અત્યંત અનિવાર્ય અને અસાધારણ સંજોગો માટે હોય છે, જેમાં ન્યાય પ્રક્રિયાને કોઈ અસર પહોંચવી જોઈએ નહીં.




