Baroda

અકસ્માતના બનાવમાં બોગસ વીમો પકવ્યો યુવાનના મોત બાદ બોગસ વાહન તેમજ ચાલક ઊભા કર્યા, વિમો પાસ

By GS Team
16 Sep 20263 mins read
TukuTouch Logo
વર્ષ 2014માં જરોદ પાસે યુવાનના મોત બાદ વીમાની રકમ મેળવવા માટે ખોટું વાહન અને ડ્રાઇવર ઊભા કરી, ₹18.80 લાખનો વીમો પકવ્યાનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં અમદાવાદના જિતેન્દ્ર યાદવે પંચમહાલના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી. મૃતક ભુપત પટેલના પિતાએ પણ કબૂલ્યું કે PL બારીયાએ આ કાવતરું રચ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અકસ્માતના બનાવમાં બોગસ વીમો પકવ્યો યુવાનના મોત બાદ બોગસ વાહન તેમજ ચાલક ઊભા કર્યા, વિમો પાસ

વર્ષ-૨૦૧૪માં જરોદ પાસે બનેલ અકસ્માતની ઘટનામાં યુવાનના મોત બાદ વિમાની રકમ મેળવવા માટે ખોટું વાહન તેમજ ડ્રાઇવર ઊભા કરી વાહન અકસ્માત વિમો પકવ્યો હોવાની વિગતોનો પર્દાફાશ સીઆઇડી ક્રાઇમની તપાસમાં થયો છે.
અમદાવાદમાં રહેતા જિતેન્દ્ર જયદયાલસિંગ યાદવે પંચમહાલ જિલ્લામાં રહેતા પાંચ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવું છું. તા.૯ ફેબુ્રઆરી ૨૦૧૪ના રોજ જરોદ ઓવરબ્રિજ પરથી એક બાઇકે ટક્કર મારતા સર્વિસ રોડ પર પડી જતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામમાં રહેતા ભુપત છગનભાઇ પટેલીયાનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં મોટર વ્હિકલ એક્ટની કલમ મુજબ અમારી કંપની સામે વળતર મેળવવા માટે રૃા.૨૦ લાખનો દાવો કર્યો હતો.
અમોને અકસ્માત અંગે શંકા જતા ફરીથી તપાસની અરજી અમારા કંપનીના સીએમડીએ સીઆઇડી ક્રાઇમને કરી હતી. દરમિયાન કોર્ટના હુકમ મુજબ વળતર પેટે રૃા.૧૮.૮૦ લાખ જમા પણ કરાવી દીધા હતાં. બાદમાં સીઆઇડી ક્રાઇમની તપાસનો અંતિમ રિપોર્ટ કંપની પાસે આવ્યો હતો જેમાં અકસ્માતમાં ખોટુ વાહન ઊભું કરી ક્લેઇમ પાસ કર્યો હોવાનું જણાયું હતું. મૃતક યુવાન ભૂપતના પિતાએ પણ કબૂલાત કરી હતી કે પી.એલ. બારીયા નામના શખ્સે વિમા પોલિસીવાળા વાહનની વ્યવસ્થા અમે કરીશું તેમ કહી તેમણે વાહન અકસ્માતનો ક્લેઇમ કરવા જણાવ્યું હતું અને અકસ્માતના બે માસ બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વની બાબત એ છે કે વાઘોડિયા પોલીસે બોગસ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો તે આરોપી પણ કોર્ટમાં કેસ ચાલી જતા નિર્દોષ છૂટી ગયો છે.

આરોપીઓના નામ

  • છગન વાધાભાઇ પટેલીયા (રહે.નાંદરવા, તા.શહેરા, જિલ્લો પંચમહાલ)
  • હસમુખભાઇ (રહે.કુંડલા, તા.ગોધરા)
  • પર્વતસિંહ લક્ષ્મણસિંહ બારીયા (રહે.વડેલાવ, તા.ગોધરા)
  • વજેસિંહ ફુલાભાઇ પટેલીયા (રહે.નાંદરવા, તા.શહેરા, જિલ્લો પંચમહાલ)
  • મુકેશ ઝેરાભાઇ પટેલ (રહે.વડેલાવ, તા.ગોધરા)

રૃા.૨૫ હજારની લાલચમાં મુકેશે અકસ્માત પોતાના માથે લીધો

મૃતક યુવાન ભૂપતના પત્ની તેમજ બાળકોને આર્થિક મદદ મળી રહે તે માટે સમગ્ર કાવતરુ રચાયું હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે પી.એલ. બારીયાએ સમગ્ર વ્યવસ્થા કરી આપી હતી અને વિમો તેમજ લાઇસન્સ ધરાવતા ચાલકને રૃા.૨૫ હજાર આપવાની શરતે મુકેશ પટેલને તૈયાર કર્યો હતો. તે બાઇક સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને તેની ધરપકડ બાદ જામીન પર છૂટયો હતો એટલું જ નહી પરંતુ ગુનો પુરવાર નહી થતા તે કોર્ટમાંથી પણ નિર્દોષ છૂટયો છે.

ફોર વ્હિલથી અકસ્માત અને બાઇક બતાવી, વજેસિંહ ઘેર હતો અને સ્થળ પર દર્શાવ્યો

વર્ષ-૨૦૧૪માં જરોદ પાસે થયેલા અકસ્માતમાં મૃતક ભૂપતની સાથે વજેસિંહ ફુલાભાઇ પટેલીયા પણ હતો તેમ દર્શાવાયું હતું પરંતુ સીઆઇડી ક્રાઇમની તપાસમાં વજેસિંહે કબૂલાત કરી હતી કે તે દિવસે તે ઘેર જ હતો પરંતુ પી.એલ. બારીયાના કહેવાથી ખોટી વિગતો પોલીસ સમક્ષ રજૂ કરી હતી. મહત્વની બાબત એ છે કે અન્યના નિવેદનોમાં પણ સ્થળ પર માટીમાં લોહીંના ડાઘા મળ્યા હતા તેમજ નજીકમાં ફોર વ્હિલના પૈડાની નિશાન હતાં જેથી બાઇકથી નહી પરંતુ અજાણી ફોર વ્હિલથી અકસ્માત થયો હતો.