રજાના દિવસોમાં પણ વેરો ભરવાની સુવિધા : વડોદરા કોર્પોરેશનની વોર્ડ કચેરીઓના સમયગાળામાં વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આકારણી શાખા દ્વારા બાકી મિલકત વેરાધારકોને "પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના"નો વધુમાં વધુ લાભ મળે તે માટે વોર્ડ કચેરીઓમાં નાણા સ્વીકારવાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી રજાના દિવસો તેમજ નિયમિત કામકાજના દિવસોમાં પણ વધારાના સમય સુધી વેરો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રવિવારે સવારે 9:30થી બપોરે 2:00 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવશે. જ્યારે અન્ય જાહેર રજાઓ તથા નિયમિત કામકાજના દિવસોમાં સવારે 9:30થી સાંજે 5:00 વાગ્યા સુધી વોર્ડ કચેરીઓમાં વેરો ભરાવી શકાશે. ઉપરાંત યોજનાના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચ, 2026ના રોજ જાહેર રજાના દિવસે સવારે 9:30થી રાત્રે 9:00 વાગ્યા સુધી નાણા સ્વીકારવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના હેઠળ વર્ષ 2003-04 પહેલાંની ભાડા આકારણી પદ્ધતિ હેઠળની રહેણાંક અને બિન-રહેણાંક મિલકતોના બાકી વ્યાજ પર 100 ટકા રિબેટ આપવામાં આવી રહ્યો છે. જ્યારે વર્ષ 2003-04થી 2024-25 સુધીની ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ હેઠળ રહેણાંક મિલકતો માટે બાકી વ્યાજ પર 80 ટકા અને બિન-રહેણાંક મિલકતો માટે 60 ટકા રિબેટનો લાભ મળશે. ઉપરાંત વોરંટ ફી, નોટિસ ફી અને પેનલ્ટીમાં પણ 100 ટકા રાહત આપવામાં આવી રહી છે.
બાકી મિલકત વેરો ઓનલાઈન પણ ભરી શકાય છે. જરૂરિયાત મુજબ કરદાતાઓ સંબંધિત વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગમાં કામકાજના સમય દરમિયાન સંપર્ક કરી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એ તમામ કરદાતાઓને 31 માર્ચ, 2026 સુધી અમલમાં રહેલી આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.









