Baroda

વડોદરામાં બાકડા પર બેસવાની બાબતે વૃદ્ધ પર જીવલેણ હુમલો

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં બાકડા પર બેસવા જેવી નજીવી બાબતે બોલાચાલી હિંસક બની હતી. મયંક ઉર્ફે ચકો પરમારે 63 વર્ષીય ફુલાભાઈ પરમાર પર પ્લાસ્ટિકના દૂધના કેરેટથી હુમલો કર્યો હતો. તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફુલાભાઈની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં બાકડા પર બેસવાની બાબતે વૃદ્ધ પર જીવલેણ હુમલો

Vadodara Crime : વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં બાકડા પર બેસવાની સામાન્ય બાબતને લઈને થયેલી બોલાચાલી હિંસક બની હતી. એક યુવકે 63 વર્ષીય વૃદ્ધ પર પ્લાસ્ટિકના દૂધના કેરેટથી હુમલો કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વૃદ્ધની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના નવાયાર્ડ સ્થિત અમરનગરમાં રહેતા 63 વર્ષીય ફુલાભાઈ ડાહ્યાભાઈ પરમાર પર પડોશમાં રહેતા મયંક ઉર્ફે ચકો વિનુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, 30 જુલાઈની સાંજે ફુલાભાઈ 40 ફૂટ રોડ પર આવેલા બાકડા પર આરામ કરવા બેઠા હતા. તે સમયે ત્યાં પહેલાથી બેઠેલા મયંકે તેમની સાથે બોલાચાલી કરી ધક્કો માર્યો હતો અને ગાળો આપી મારપીટ શરૂ કરી હતી. દરમિયાન નજીકમાં રહેતા નિરુબેન નગીનભાઈ પરમારે ઝઘડો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે નજીકમાં પડેલું દૂધનું પ્લાસ્ટિકનું કેરેટ ઉઠાવી ફુલાભાઈ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા. બાદમાં નિરુબેને તેમને બચાવી ઘરે પહોંચાડ્યા હતા.
પ્રથમ તબક્કે પરિવારે સામાન્ય ઈજા હોવાનું માની ફરિયાદ નોંધાવી નહોતી. જોકે બીજા દિવસે કમરમાં અસહ્ય દુખાવો થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ફુલાભાઈને ગોત્રી સ્થિત ESIC હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સારવાર દરમિયાન ફરિયાદી અને તેમની પુત્રી આરોપીના ઘરે સમજાવવા ગયા ત્યારે આરોપીએ ફુલાભાઈ ફરી મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સારવારમાં વ્યસ્ત રહેવાના કારણે ફરિયાદ મોડેથી નોંધાવવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર મામલે ફરિયાદના આધારે પોલીસે આરોપી મયંક ઉર્ફે ચકો વિનુભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના સાક્ષી તરીકે નિરુબેન નગીનભાઈ પરમારનું નામ પણ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે.