સતત વરસાદના કારણે કરજણ ડેમના ૭ અને દેવ ડેમના ૫ દરવાજા ખોલવા પડયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સતત વરસાદના પગલે કરજણ તથા દેવ ડેમમાં પાણીની સપાટી વધતા કરજણ ડેમના ૭ અને દેવ ડેમના ૫ ગેટ ખોલવા પડયા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં સાવચેતી રાખવા માટે લોકોને જણાવવામાં આવ્યું છે.
ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના ઉપરવાસમાંથી અંદાજે એક લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેના કારણે ડેમની જળસપાટી વધીને ૧૦૮.૦૪ મીટર સુધી પહોંચી છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી ૧૧૬ મીટર છે.પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને કરજણ ડેમના ૭ દરવાજા ૩ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલ ૮૦,૭૨૧ ક્યુસેક પાણીની જાવક થતી હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.
સતત વરસાદના કારણે હાલોલ તાલુકામાં આવેલા દેવડેમ ખાતે ૩.૫ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. દેવડેમ ખાતે સીઝનનો ૧૭.૯૫ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપરવાસમાં શિવરાજપુરમાં ૭૮,મી.મી. વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે પાણીનું લેવલ ૮૭.૯૮ ને જાળવવા માટે પાંચ ગેટ ૦.૯૦, મીટર ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ૧૫ હજાર ક્યુસેક પાણી નદીના નીચાણ વાળા વિસ્તારોમાં છોડવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં પાણીની આવક ૧૬૩૭૧.૭૫ ક્યુસેક હોવાનું જાણવા મળે છે.









