જૂની અદાવતે ચાલક દ્વારા ટોળા પર કાર ચઢાવવાનો પ્રયાસ : ટોળાનો પથ્થરમારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા લીલાબા નગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે સ્કોર્પિયો કારચાલકે ટોળા પર કાર ચડાવવાનો પ્રયાસ કરતાં ભારે હડકંપ મચી ગયો હતો. અગાઉની અદાવતને લઈને થયેલા વિવાદ બાદ આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આજવા રોડ લીલાબા નગર વિસ્તારમાં બે પક્ષો વચ્ચે અગાઉથી અદાવત ચાલી રહી હતી. આ મામલે સમાધાન થયા બાદ પણ બંને પક્ષો વચ્ચે ફરીથી બોલાચાલી અને તકરાર થતાં વાત ઉગ્ર બની હતી. દરમિયાન સ્કોર્પિયો કાર લઈને આવેલા વ્યક્તિએ ત્યાં હાજર લોકોના ટોળા તરફ પૂરઝડપે કાર હંકારી ટોળા પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
અચાનક કાર પોતાની તરફ આવતી જોઈ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લોકો આડેધડ ભાગી જતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાથી રોષે ભરાયેલા કેટલાક લોકોએ સ્કોર્પિયો કાર પર પથ્થરમારો કર્યો હતો. જોકે કારચાલક સ્થળ પરથી કાર લઈને ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટનાનો વીડિયો આસપાસના લોકો દ્વારા મોબાઇલ ફોનમાં કેદ થયો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં કાર ઝડપથી ટોળા તરફ દોડી આવતી અને ત્યારબાદ લોકો ભાગતા તેમજ કાર પર પથ્થરમારો થતો હોવાનું જોવા મળે છે.
પોલીસે વાયરલ વીડિયો સહિત અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે કારચાલકની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં અગાઉની અદાવત અને સમાધાન બાદ ફરીથી વિવાદ શા માટે થયો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, વીડિયોની ચકાસણી તેમજ બંને પક્ષોના નિવેદનોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.









