Baroda

ખાબોચિયાના ગંદા પાણી ઉડતા ગાડી ચાલક પર હુમલો, ચાર સામે ગુનો નોંધાયો

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં તરસાલી બાયપાસ પાસે વડદલા રોડ પર વરસાદી પાણીના છાંટા ઉડવા જેવી સામાન્ય બાબતે બોલેરો પીકઅપ ચાલક વિજય પરમારને માર મારવામાં આવ્યો હતો. મોપેડ ચાલક દીપક ગોહિલ અને તેના 3 સાગરીતોએ વિજય પરમાર પર હુમલો કરી કાચ તોડી નાખ્યો હતો. કપુરાઈ પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાબોચિયાના ગંદા પાણી ઉડતા ગાડી ચાલક પર હુમલો, ચાર સામે ગુનો નોંધાયો

Vadodara Crime : વડોદરા તરસાલી બાયપાસ પાસે વડદલા રોડ પર વરસાદી પાણીના છાંટાને લઈને થયેલો સામાન્ય વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો. બોલેરો પીકઅપ ચાલકે ચાર વ્યક્તિઓ સામે હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાવતા કપુરાઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, વડદલા ગામ ખાતે રહેતો 35 વર્ષનો વિજય નારણ પરમાર બોલેરો પીકઅપ ગાડી ચલાવે છે. ગત 4 ઓગસ્ટના રોજ સાંજે આશરે 7 વાગ્યે વડદલા ગામ નજીક કેનાલ ક્રોસ કરતી વખતે તેમણે એક મોપેડ ચાલકને ઓવરટેક કર્યો હતો. રસ્તા પર ખાડામાં વરસાદી પાણી ભરાયેલું હોવાથી તેના છાંટા મોપેડ ચાલક પર ઉડ્યા હતા.
આ બાબતે મોપેડ ચાલક દિપક પ્રતાપ ગોહિલે બૂમાબૂમ કરી ગાળો આપી બોલેરોનો કાચ તોડી નાખ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વિજય પરમાર વડદલા રોડ પર આવેલા તીર્થ એક્ઝોટિકા પાસે કરિયાણાની દુકાને બેઠા હતા ત્યારે દિપક ગોહિલ તેના કાકા પ્રહ્લાદ ભૂદર ગોહિલ, અલ્પેશ પ્રહ્લાદ ગોહિલ અને રવિ રણજીત ગોહિલ (તમામ રહે. વડદલા ગામ, તરસાલી બાયપાસ) સાથે આવી ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ચારેય આરોપીઓ સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.