Baroda

શહેરમાં સિટી બસ સર્વિસની અવ્યવસ્થાથી રોજિંદી મુસાફરી મુશ્કેલ બની

By GS Team
7 Aug 20263 mins read
TukuTouch Logo
શહેરમાં સિટી અને નવી ઈ-બસોના સંચાલનના અભાવે મુસાફરો મુશ્કેલીમાં છે. રૂટ બદલાયા, બસો સમયસર ન આવવી, કેટલાક રૂટ બંધ થવાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ રોષે ભરાયા છે. જૂન 2026માં 30 ઈ-બસ શરૂ થતાં 30 સિટી બસ બંધ કરાઈ. પાસની સુવિધા 20 દિવસથી બંધ છે. ટૂંક સમયમાં ટાઈમ ટેબલ જાહેર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં સિટી બસ સર્વિસની અવ્યવસ્થાથી રોજિંદી મુસાફરી મુશ્કેલ બની

શહેરમાં સિટી બસ અને નવી શરૃ કરાયેલી ઈ-બસના સંચાલનમાં યોગ્ય આયોજનના અભાવને કારણે મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રૃટમાં ફેરફાર, બસો સમયસર ન આવવી, કેટલાક રૃટ બંધ કરી દેવાતા મુસાફરોમાં રોષ ફેલાયો છે. સૌથી વધુ મુશ્કેલી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને રોજિંદા મુસાફરી કરતા લોકો અનુભવી રહ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશને શહેરની સિટી બસ સુવિધા વિનાયક સિટી બસ સર્વિસને કોન્ટ્રાક્ટ પર આપી છે. કોરોના પહેલાં શહેરમાં ૧૫૦ સિટી બસો દોડતી હતી અને રોજ ૧ લાખ મુસાફરો તેનો લાભ લેતા હતા. કોરોના બાદ બસોની સંખ્યા ઘટીને ૧૩૦ થઈ ગઈ છે અને દૈનિક મુસાફરોની સંખ્યા પણ ઘટીને ૮૦ હજાર રહી છે.

જૂન,૨૦૨૬ના અંતમાં મ્યુનિ. કોર્પોેરેશને ૩૦ ઈલેક્ટ્રિક બસો શરૃ કરતાં તે રૃટ પર દોડતી વિનાયક સિટી બસની ૩૦ બસો બંધ કરાઈ હતી. ઈ-બસનું સંચાલન સીધું મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરાઈ રહ્યું છે, જ્યારે આગામી સપ્ટેમ્બર મહિનામાં વિનાયક સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે. આ દરમિયાન યોગ્ય આયોજન ન થતાં અનેક રૃટ પર અવ્યવસ્થા સર્જાઈ છે.

રૃટ રદ કે બદલાતા છેલ્લા ૨૦ દિવસથી વિનાયક સિટી બસ દ્વારા નવા બસ પાસ આપવાની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે. અનેક મુસાફરોને બસ મોડી આવવી, રૃટ બદલાઈ જવો અથવા બસ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો છે. બીજી તરફ, ઈ-બસ શરૃ થયાને એક મહિનો થવા છતાં હજુ સુધી તેનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર કરાયું નથી, પરિણામે મુસાફરોને બસના સમય અંગે પણ ભારે મૂંઝવણ રહે છે. ઈ-બસ સેવા શરૃ થયાને એક મહિનો વીતવા છતાં હજુ સુધી ઈન્કવાયરી માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈ-બસ શરૃ થયા બાદ ભાયલી તરફનો રૃટ મ્યુનિ. કોર્પોરેશનના સૂચનથી કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરાયો હતો. જોકે મુસાફરોની સતત ફરિયાદો બાદ કોર્પોરેશનના જ નિર્દેશથી આ રૃટ ગઈકાલથી ફરી શરૃ કરાયો છે.

મુસાફર પાસની સુવિધા ૨૦ દિવસથી બંધ

મ્યુનિ. અધિકારીના જણાવ્યા મુજબ, વધુ ૨૦ ઈ-બસો શરૃ થયા બાદ સિનિયર સિટીઝન, વિદ્યાર્થી, સામાન્ય મુસાફર અને દિવ્યાંગ સહિત ચાર કેટેગરીના બસ પાસ શરૃ કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાશે. હાલ કેટલાક રૃટ પર વીએમસી સંચાલિત ઈ-બસ અને કેટલાક રૃટ પર કોન્ટ્રાક્ટ આધારિત બસો દોડતી હોવાથી પાસના રિફંડ સહિતના મુદ્દાઓ ઊભા થતા વિનાયક સિટી બસ દ્વારા નવા પાસ આપવાનું બંધ કરાયું છે. મુસાફરોની સુવિધા માટે ઈ-બસનું સત્તાવાર ટાઈમ ટેબલ પણ ટૂંક સમયમાં જાહેર કરાશે.

વધુ ૨૦ ઈ- બસોના લોકાર્પણમાં વિલંબ

મ્યુનિ. કોર્પોરેશન આગામી ચાર દિવસમાં વધુ ૨૦ ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરશે. આ તમામ બસો શહેરમાં આવી ગઈ છે અને આરટીઓની જરૃરી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. ચૂંટણીની આચારસંહિતાને કારણે લોકાર્પણમાં વિલંબ થયો હોવાનું સત્તાધીશો જણાવી રહ્યાં છે.  તો બીજીતરફ, છેલ્લા એક મહિનામાં ૩૦ ઈ-બસમાં ૨.૦૯ લાખ મુસાફરોએ સફર કરી છે, જેના બદલામાં મ્યુનિ. કોર્પોરેશનને રૃા.૩૦ લાખની આવક થઈ છે.