ઢાઢર નદીની સપાટી વધતા 24 કલાકમાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં 6 ફૂટનો વધારો : સરદાર સરોવર ડેમની સપાટી 129.30 મીટરે પહોંચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Heavy Rain : વડોદરા શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદની અસર હવે જળાશયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શહેરની જીવાદોરી ગણાતા આજવા સરોવરની સપાટી આજે બપોરે 12 વાગ્યે 210.51 ફૂટ નોંધાઈ હતી. છેલ્લા 24 કલાકમાં સરોવરમાં નોંધપાત્ર પાણીની આવક થતાં તેની સપાટીમાં વધારો થયો છે. ગઈકાલે સવારે આજવા સરોવરની સપાટી 208.77 ફૂટ હતી, જેની સરખામણીએ આજે લગભગ 1.74 ફૂટનો વધારો નોંધાયો છે.
શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે. કાળાઘોડા ખાતે આજે બપોરે નદીની સપાટી 14.76 ફૂટ નોંધાઈ હતી. જ્યારે ગઈકાલે સવારે આ સપાટી 8.63 ફૂટ હતી. આમ, માત્ર 24 કલાકમાં નદીના જળસ્તરમાં 6 ફૂટથી વધુનો વધારો નોંધાતા તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. જિલ્લાના પ્રતાપપુરા ડેમની સપાટી 226.50 ફૂટ સુધી પહોંચી છે.
બીજી તરફ રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટી 129.30 મીટર નોંધાઈ છે. નર્મદા જળાશયમાં પણ સતત પાણીની આવક થતાં રાજ્યના પીવાના પાણી અને સિંચાઈ માટેની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદની આગાહી વચ્ચે તંત્ર દ્વારા તમામ જળાશયો અને નદીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.









