Baroda

વિરાર-ભરૂચ મેમુમાં લોકલ ભાડું લાગુ કરવા અને ટ્રેનને ડભોઈ/કરજણ સુધી લંબાવવાની માગ

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના DRUCC સભ્ય મોહમ્મદ હબીબ લોખંડવાલાએ પશ્ચિમ રેલવેના GMને રજૂઆત કરી છે. વિરાર-ભરૂચ મેમુ ટ્રેન (નંબર 19101)માં મેલ/એક્સપ્રેસને બદલે લોકલ ભાડું લાગુ કરવા તેમજ ટ્રેનને ભરૂચથી કરજણ કે ડભોઈ સુધી લંબાવવાની માંગ કરાઈ છે. હાલ વધુ ભાડાથી હજારો દૈનિક મુસાફરોને આર્થિક નુકસાન થાય છે. આ વિસ્તરણથી રેલવેની આવક વધશે અને મુસાફરોને સીધી કનેક્ટિવિટી મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરાર-ભરૂચ મેમુમાં લોકલ ભાડું લાગુ કરવા અને ટ્રેનને ડભોઈ/કરજણ સુધી લંબાવવાની માગ

Vadodara: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (GM), મુંબઈને ડીઆરયુસીસી (DRUCC) વડોદરા ડિવિઝનના સભ્ય તેમજ વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ ટ્રેન નંબર 19101 વિરાર-ભરૂચ મેમુ ટ્રેનમાં મેલ/એક્સપ્રેસના બદલે સામાન્ય લોકલ ભાડું લાગુ કરવા અને ટ્રેનને ભરૂચથી આગળ કરજણ અથવા ડભોઈ સુધી લંબાવવાની માગ સાથે રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે ટ્રેન નંબર 19101 મૂળભૂત રીતે લોકલ મેમુ સેવા છે, જે દરરોજ સવારે 4:35 કલાકે વિરારથી ઉપડી 11:10 કલાકે ભરૂચ પહોંચે છે. કોરોના લોકડાઉન દરમિયાન વિશેષ પરિસ્થિતિમાં અનેક લોકલ ટ્રેનોમાં મેલ/એક્સપ્રેસનું ભાડું લાગુ કરવામાં આવ્યું હતું, જેને બાદમાં જનહિતમાં ફરી સામાન્ય લોકલ ભાડામાં ફેરવવામાં આવ્યું હતું. જોકે, વિરાર-ભરૂચ મેમુમાં આજે પણ મુસાફરો પાસેથી મેલ/એક્સપ્રેસનું વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

મોહમ્મદ હબીબ લોખંડવાલાએ જણાવ્યું છે કે આ રૂટ પર રોજ હજારો દૈનિક મુસાફરો, એમએસટી (MST) ધારકો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને સામાન્ય મુસાફરો અવરજવર કરે છે. વધુ ભાડાના કારણે મુસાફરોને દર મહિને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. તેથી તાત્કાલિક અસરથી આ ટ્રેનમાં સામાન્ય લોકલ ભાડું લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત રજૂઆતમાં જણાવાયું છે કે ટ્રેન સવારે ભરૂચ પહોંચ્યા બાદ તેની રેક લાંબા સમય સુધી ખાલી રહે છે. આ રેકનો સદુપયોગ કરી તેને ભરૂચથી આગળ પાલેજ, કરજણ અને ડભોઈ સુધી દોડાવવામાં આવે તો મુસાફરોને સીધી કનેક્ટિવિટી મળશે તેમજ રેલવેની આવકમાં પણ વધારો થશે.

રજૂઆત મુજબ, આ સેવા શરૂ થવાથી છોટાઉદેપુર, બોડેલી, એકતા નગર (કેવડિયા) તેમજ મધ્ય પ્રદેશના અલીરાજપુર વિસ્તારના મુસાફરોને ભરૂચ, પાલેજ અને કરજણ જવા માટે વડોદરા સુધીનો બિનજરૂરી લાંબો ફેરો મારવો નહીં પડે. ડભોઈથી જ તેમને સીધી કનેક્ટિંગ ટ્રેન ઉપલબ્ધ બનશે.

મોહમ્મદ હબીબ લોખંડવાલાએ જણાવ્યું છે કે આ નિર્ણયથી નાના ખેડૂતો, ખેતમજૂરો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને નાના વેપારીઓને સમય અને નાણાંની મોટી બચત થશે. સાથે જ ભરૂચ ખાતે ખાલી પડેલી રેકનો ઉપયોગ થવાથી પશ્ચિમ રેલવેને વધારાની આવક મળશે અને મુસાફરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ બનશે.