તમારા પિતાએ પૈસા મોકલવાનું કહ્યું છે કહી ગઠિયાઓનું સાયબર ફ્રોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કરજણ તાલુકાના સાંસરોદ ગામની યુવતીને તમારા પિતાએ મને તમારા ખાતામાં રૃપિયા ટ્રાન્સફર કરવાનું કીધું છે તેમ જણાવી યુવતીના મોબાઇલમાં પેમેન્ટ ટ્રાન્સફરના ખોટા મેસેજ મોકલી વધારે પૈસા મોકલાઇ ગયા છે તેમ કહી પરત પૈસા મેળવી રૃા.૯૬ હજારનું સાયબર ફ્રોડ ભેજાબાજે કર્યુ છે.
કરજણ તાલુકાના સાંસરોદ ગામે રહેતી આમીના અલ્તાફ યાકુબ સાલેહના મોબાઇલ ઉપર તા.૨૩ના રોજ એક અજાણ્યા ઇસમનો કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવેલ કે હું યોગેશ બોલુ છું અને તમારા પિતા અલ્તાફભાઈએ રૃા.૨૫ હજાર તમારા ખાતામાં નાખવા કહ્યું છે. આમીનાએ તમે મારા પિતાને કંઈ રીતે ઓળખો છો એમ પૂછતા ભેજાબાજે મારે અત્યારે જ વાત થઈ છે અને તમારા નંબર ઉપર રૃ.૨૦ હજાર ગૂગલ પે થી નાખવાના કીધા છે.
આમીનાના મોબાઇલમાં રૃ.૨૦ હજાર યુનિયન બેંકના ખાતામાં જમા થયાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ગઠિયાએ ફરી કોલ કરી મને રૃ.૨૫ હજાર કહ્યા છે પણ મેં રૃ.૨૦ હજાર ટ્રાન્સફર કર્યા છે એટલે બાકીના રૃ.૫ હજાર ટ્રાન્સફર કરું છું તેમ વાત કરી હતી. આ વખતે આમીનાના મોબાઇલમાં રૃ.૫૦ હજાર જમા થયાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ભેજાબાજે મારે રૃ.૫ હજાર નાખવાના હતાં તેની જગ્યાએ ભૂલથી રૃ.૫૦ હજાર ટ્રાન્સફર થઈ ગયા છે. જેથી હું તમને એક નંબર આપું છું તેમાં રૃપિયા પરત મોકલી આપો તેમ કહેતાં આપેલ નંબર ઉપર આમીનાએ રૃ.૪૫ હજાર ટ્રાન્સફર કર્યા હતાં.
દરમિયાન રૃ.૧ લાખ બેંકમાં જમા થયેલા હોવાનો ફરી મેસેજ આવતાં આમીનાએ પૂછપરછ કરતા ગઠિયાએ ભૂલથી તમારા ખાતામાં રૃપિયા આવી ગયા છે તેમ કહી તેને હોસ્પિટલનું નામ લઇ એક એકાઉન્ટ નંબર આપ્યો હતો જેમાં આમીનાએ રૃા.૫૧ હજાર ટ્રાન્સફર કર્યા હતાં. જો કે ફરીથી બાકીના પૈસા જમા કરાવવાનું કહેતા આમીનાને શંકા ગઇ હતી અને તેને પોલીસ ફરિયાદ નોધાવી છે.




