વડોદરામાં નવા પાણીની આવક થતા જ મગરોમાં અફરાતફરી, ત્રણ સ્થળે મગર દેખાયા, 9 ફૂટના મગરનું રેસ્ક્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crocodile Rescue : વડોદરામાં સૌથી વધુ મગરો વસવાટ કરી રહ્યા છે ત્યારે ચોમાસા દરમિયાન નવા પાણીની આવકને કારણે મગરોમાં દોડધામ જોવા મળી રહી છે. જે પૈકી વાસણા રોડના બંગલાઓ નજીક આવી ગયેલા નવ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
મગરો શાંત પાણીમાં રહેવાનું પસંદ કરતા હોય છે
સામાન્ય રીતે મગરોની પ્રકૃતિ શાંત પાણીમાં રહેવા ટેવાયેલી હોય છે. જેથી વહેતા પાણીમાં મગરો ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. નદી તળાવમાં ચોમાસા દરમિયાન નવું પાણી આવતું હોવાથી વહેણ વધી જાય છે જેથી મગરો ઝડપથી આ માહોલ સહન કરી શકતા નથી અને તેમનામાં અફરાતફરી જોવા મળતી હોય છે.
વાસણા રોડના બંગલાઓ સુધી નવ ફૂટનો મગર આવી ગયો

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાસણા રોડ ખાતે નવ રચના સ્કૂલ નજીક ગેલેક્સી બંગલોઝ ખાતે ગઈકાલે મધરાતે એક મહાકાય મગર બહાર નીકળી આવ્યો હતો અને બંગલા સુધી પહોંચી જતા કોઈ વ્યક્તિનું ધ્યાન ગયું હતું અને તેને પગલે લોકો ગભરાઈ ગયા હતા. બનાવની જાણ થતા ગૌરક્ષા સમિતિના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ મગરનું રેસક્યુ કરી ફોરેસ્ટ વિભાગની જાણ કરી હતી.
તાંદલજા બસ સ્ટેન્ડ પાસે અને પાદરા રોડ ઉપર પણ મગરની એન્ટ્રી
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ નજીક એક મહાકાય મગરે લાંબો સમય સુધી અડિંગો જમાવી દીધો હોવાનો વીડીયો વાયરલ થયો છે. જેમાં લોકોના ટોળા મગરથી થોડે દૂર એકઠા થયેલા જોવા મળે છે. આવી જ રીતે વડોદરા નજીકના પાદરા-ઘાયજ રોડ ઉપર પણ એક મહાકાય રોડ પર લટાર મારતો હોય તેવો વીડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
હજી મગર આવી જવાના બનાવો વધશે, ફોરેસ્ટ અને જીવ દયા કાર્યકરો ન સંપર્ક કરવા અપીલ
વડોદરાના આરએફઓ અનિતાબેન બારીયાએ કહ્યું છે કે, ફોરેસ્ટ વિભાગની ટીમો રાત દિવસ તૈનાત હોય છે અને કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. જેથી મગર કે અન્ય જળચર જીવના રેસક્યુ માટે ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવાથી મદદ મળી રહેશે. આ ઉપરાંત જીવદયા સંસ્થાના કાર્યકરોએ પણ તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે.









