રેવન્યુ ઓફિસરોને વોર્ડ ઓફિસર તરીકે પ્રમોશન નહીં મળતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ ઓફિસરની જગ્યા કેઓ ભરવામાં ભરતીનું 1:1:1નું પ્રમાણ જાળવવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરી બઢતીની સંખ્યા વધારવાની માગ ઉઠી છે.
રજૂઆત મુજબ વોર્ડ ઓફિસરની 31 જગ્યાઓ સીધી ભરતીથી, 33 જગ્યાઓ આંતરિક પસંદગીથી જ્યારે માત્ર 21 જગ્યાઓ બઢતીથી ભરવામાં આવી છે. પરિણામે આંતરિક તથા સીધી ભરતીની સરખામણીએ પ્રમોશનનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ ઓફિસર જેવી જગ્યાઓ ભરવા માટે 1:1:1 એટલે કે એક જગ્યા સીધી ભરતીથી, એક જગ્યા ખાતાકીય પસંદગીથી અને એક જગ્યા બઢતીથી ભરવાની વ્યવસ્થા હોવી જોઈએ. તમામ કેટેગરીના કર્મચારીઓને યોગ્ય અને પૂરતી તકો મળે તે માટે આ પ્રમાણ જાળવવાની માગ કરવામાં આવી છે.
રજૂઆત મુજબ વર્ષ 2000માં ભરતી થયેલા રેવન્યુ ઓફિસરોને નોકરીમાં 26 વર્ષનો લાંબો સમયગાળો પૂર્ણ થયો હોવા છતાં વોર્ડ ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી નથી. આ કર્મચારીઓને વોર્ડ ઓફિસર તરીકે બઢતી ન મળવાના કારણે આગામી તબક્કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આંતરિક ભરતીમાં પણ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે જો ભવિષ્યમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આંતરિક ભરતી માટે વોર્ડ ઓફિસર તરીકેનો અનુભવ અથવા લાયકાત જરૂરી બનશે, તો લાંબા સમયથી મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સ્થાનિક અધિકારીઓને તક મળી શકશે નહીં. પરિણામે બહારથી અધિકારીઓની નિમણૂક કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
સેનિટરી ઇન્સ્પેક્ટરમાંથી માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. તેની સામે 26 વર્ષથી રેવન્યુ ઓફિસરની ફરજો બજાવતા અધિકારીઓને વોર્ડ ઓફિસર તરીકે બઢતી આપવામાં ઉદાસીનતા દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વોર્ડ ઓફિસર કેડરમાં સીધી અને આંતરિક ભરતીનું પ્રમાણ વધારે છે, જ્યારે બઢતીનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ સ્થિતિને કારણે લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની કારકિર્દી પ્રગતિ અટકે છે અને કર્મચારીઓમાં અસંતોષ ઊભો થાય છે. સાથે જ પ્રમોશન દ્વારા ઉપલબ્ધ જગ્યાઓનો યોગ્ય ઉપયોગ ન થવાથી મહાનગરપાલિકા પર પણ આર્થિક અસર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વોર્ડ ઓફિસરની ભરતીમાં 1:1:1નું પ્રમાણ યોગ્ય રીતે જાળવવા, ભરતીનું વર્ગીકરણ સુધારવા અને લાયકાત ધરાવતા રેવન્યુ ઓફિસરોને તાત્કાલિક વોર્ડ ઓફિસર તરીકે બઢતી આપવા માંગ કરવામાં આવી છે. તમામ કેટેગરીના કર્મચારીઓને સમાન અને પૂરતી તક મળે તે માટે બઢતીની પ્રક્રિયા ઝડપી બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.
સુરત મનપામાં ડેપ્યુટી કમિશનર માટે 2:1:1નો ભરતી નિયમ, VMCમાં એન્જિનિયરિંગ કેડરમાં બઢતીની પ્રક્રિયા જ નહીં હોવાનો આક્ષેપ
એન્જિનિયરિંગ વિભાગમાં પ્રમોશનની યોગ્ય ચેનલ ન હોવાના મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. એક જ સંસ્થામાં અલગ-અલગ વિભાગો માટે પ્રમોશન અને ભરતી અંગે જુદી નીતિ હોવી યોગ્ય ન હોવાનું કર્મચારી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. સુરતમાં ડેપ્યુટી કમિશનરની ભરતી માટે 2:1:1નો રિક્રુટમેન્ટ રૂલ રાખવામાં આવ્યો છે. જેમાં બે જગ્યાઓ પ્રમોશનથી, એક જગ્યા આંતરિક ભરતીથી અને એક જગ્યા સીધી ભરતીથી ભરવાની વ્યવસ્થા કરાઈ છે. આવી જ વ્યવસ્થા વડોદરામાં પણ અમલમાં મૂકવાની માગ ઉઠી છે.
VMCના એન્જિનિયરિંગ વિભાગમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર કક્ષામાંથી ડેપ્યુટી એન્જિનિયર તરીકે પ્રમોશન આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ છે. તેવી જ રીતે ડેપ્યુટી એન્જિનિયર કક્ષામાંથી કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી આપવાની પણ કોઈ સ્પષ્ટ પ્રક્રિયા ન હોવાનું જણાવાયું છે.
આ મામલે ભારતીય મજદૂર સંઘ દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં યોગ્ય પ્રમોશન ચેનલ ઊભી કરવામાં આવી નથી.
AMCથી DMC અને વોર્ડ ઓફિસરથી AMC સુધી બઢતી આપવાની રજૂઆત
સુરત-અમદાવાદ મનપાની જેમ પ્રમોશન વ્યવસ્થા અમલમાં મૂકવાની માગ; સીધી ભરતી પહેલાં કર્મચારીઓને બઢતી આપવાની રજૂઆત અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોગ્ય પ્રમોશનલ ચેનલ ઊભી કરવાની માગ ઉઠી છે. AMC કક્ષામાંથી DMC, વોર્ડ ઓફિસર કક્ષામાંથી AMC તથા રેવન્યુ ઓફિસર કક્ષામાંથી વોર્ડ ઓફિસર તરીકે બઢતી આપવાની વ્યવસ્થા સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાની જેમ વડોદરામાં પણ અમલમાં મૂકવાની રજૂઆત કરાઈ છે.
અમદાવાદમાં ગત વર્ષે વોર્ડ ઓફિસર કક્ષાના 114 કર્મચારીઓને પ્રમોશન અપાય હતા. ઉપરાંત, 19 AMC ની ભરતી કરાઈ છે. રેવન્યુ, જનસંપર્ક, જમીન-મિલકત, કોમર્શિયલ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિભાગોમાં આસિસ્ટન્ટ કક્ષાની જગ્યાઓ ઊભી કરવા તેમજ ટાઉન પ્લાનિંગ અને ગાર્ડન વિભાગમાં રેવન્યુ ઓફિસર કક્ષાની અથવા તેનાથી ઉપરની પોસ્ટ ઊભી કરવાની માગ કરાઈ છે. આ ઉપરાંત ચીફ એકાઉન્ટન્ટ અને ચીફ ઓડિટરની હાલની જગ્યાઓને સમયની જરૂરિયાત મુજબ અપડેટ કરીને ચીફ ફાઇનાન્સ ઓફિસર અને ચીફ ઓડિટર તરીકેની વ્યવસ્થા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
તમામ જગ્યાઓ પર સીધી ભરતી કરતા પહેલાં આંતરિક પ્રમોશનની ચેનલ ઊભી કરી લાયકાત ધરાવતા કર્મચારીઓને બઢતી આપવી જોઈએ.









