Baroda

RCC બાંકડા મૂકવાના ઇજારાની નાણાકીય અને સમય મર્યાદામાં ફરી વધારો કરવાની પેરવીથી વિવાદ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં RCC બાંકડા મૂકવાના કામમાં ફરી વિવાદ સર્જાયો છે. સંયુક્ત ઇજારાની સૂચના છતાં, ટેકનિકલ કારણો આગળ ધરી ચારેય ઝોનના વાર્ષિક ઇજારાની સમય અને નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં 1-1 વર્ષ તથા 1-1 કરોડ રૂપિયા, જ્યારે દક્ષિણ અને પૂર્વ ઝોનમાં અનુક્રમે 20 અને 15 લાખ રૂપિયાની મર્યાદા વધારવાની દરખાસ્ત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

RCC બાંકડા મૂકવાના ઇજારાની નાણાકીય અને સમય મર્યાદામાં ફરી વધારો કરવાની પેરવીથી વિવાદ

Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવતા આરસીસી બાંકડાના કામ માટે સંયુક્ત ઇજારો કરવાની સૂચના આપવામાં આવી હોવા છતાં ફરી એક વખત ચારેય ઝોનના વાર્ષિક ઇજારાની સમય અને નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. ટેકનિકલ કારણો આગળ ધરી સંયુક્ત ઇજારો હાલ થઈ શકે તેમ ન હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે.
વર્ષ 2024માં ચારેય ઝોનમાં બાંકડા મૂકવાની કામગીરી માટે યુનિટ રેટના અંદાજ મુજબ કુલ રૂ.2.45 કરોડની નાણાકીય મર્યાદામાં કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ વાઈટ ગ્લેઝડ ટાઇલ્સવાળા આરસીસી બાંકડા પ્રતિ નંગ રૂ.3,336ના દરે મૂકવા માટે ઇજારદાર લકી સિમેન્ટ આર્ટિકલ્સને રૂ.2.45 કરોડની મર્યાદામાં કામગીરી સોંપવામાં આવી હતી. અગાઉ ચારેય ઝોનમાં મળીને રૂ.45 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરાયો હતો. ફેબ્રુઆરી 2026માં પણ નાણાકીય મર્યાદા વધારી કુલ રૂ.2.90 કરોડની મર્યાદામાં કામગીરી કરવા તથા નવો ઇજારો ન થાય ત્યાં સુધી વધારો મંજૂર કરવામાં આવ્યો હતો.
સાંસદ, ધારાસભ્ય અને સભાસદોના ક્વોટા/ગ્રાન્ટ હેઠળ મળેલા સૂચનો મુજબ બાંકડા મૂકવાની કામગીરી સંબંધિત ઝોન અને વોર્ડ દ્વારા કરવામાં આવે છે. સંકલનની બેઠકમાં બાંકડા મૂકવાના કામ માટે સંયુક્ત ઇજારો કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં ઉત્તર અને પશ્ચિમ ઝોનના સિવિલ કામના વાર્ષિક ઇજારા હાલમાં મંજૂરીની પ્રક્રિયામાં હોવાથી સિવિલ કામ અને બાંકડાનો સંયુક્ત ઇજારો હાલ થઈ શકે તેમ નથી. દરખાસ્તમાં ઉત્તર અને પશ્ચિમ ઝોનના બાંકડાના ઇજારા માટે એક-એક વર્ષ તથા રૂ.1-1 કરોડની નાણાકીય મર્યાદા વધારવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. જ્યારે દક્ષિણ અને પૂર્વ ઝોનના ઇજારાની ફાઈલ અંદાજ મંજૂરીની પ્રક્રિયામાં હોવાથી સંયુક્ત ઇજારો ન થાય ત્યાં સુધી દક્ષિણ ઝોનમાં રૂ.20 લાખ અને પૂર્વ ઝોનમાં રૂ.15 લાખની નાણાકીય તથા સમય મર્યાદા વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે.