ગોત્રી- લક્ષ્મીપુરામાં ત્રણ સ્પીડ બ્રેકર દૂર કરાતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના વોર્ડ નંબર-૯ના ગોત્રી-લક્ષ્મીપુરામાં આવેલા જય શ્રીરામ માર્ગ પર શિવાંજલિ સોસાયટી નજીક ત્રણ મહિના અગાઉ બનાવવામાં આવેલા ત્રણ સ્પીડ બ્રેકર અચાનક તોડી પાડતા વિવાદ સર્જાયો છે.
સ્થાનિકોના જણાવાયા મુજબ, આ માર્ગ પરથી વાહનો ખૂબ જ ઝડપે પસાર થતા હોવાથી અકસ્માતનો સતત ભય રહેતો હતો. આ મુદ્દે રજૂઆતો બાદ ટ્રાફિક શાખાના લીગલ અભિપ્રાયને આધારે મ્યુનિ.કોર્પોરેશને મંજૂરી આપી હતી અને વોર્ડ કક્ષાએથી શિવાંજલિ સોસાયટી નજીક ત્રણ સ્પીડ બ્રેકર બનાવાયા હતા.
વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસના કાર્યકરની રજૂઆત બાદ સ્પીડ બ્રેકર બન્યા હતા, પરંતુ ત્યારબાદ ભાજપના કેટલાક કાર્યકરોને તે પસંદ ન પડતાં રાજકીય દબાણના કારણે સ્પીડ બ્રેકર તોડી પાડવામાં આવ્યા હોવાની ચર્ચા છે. સ્થાનિકોએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે નજીકના નારાયણ ગાર્ડન વિસ્તારમાં આવેલા સ્પીડ બ્રેકર યથાવત રાખ્યા છે, જ્યારે માત્ર શિવાંજલિ સોસાયટી નજીકના સ્પીડ બ્રેકર દૂર કરાયા છે.
રહીશોએ પ્રજાના પૈસે બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકર થોડા જ મહિનામાં તોડી પાડવાની ઘટનાની તપાસ કરવાની તેમજ ફરી સ્પીડ બ્રેકર બનાવી માર્ગ સલામતી સુનિશ્વિત કરવાની માગ કરી છે.
રાજકીય વિવાદના કારણે જનહિતના કામને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા હોવાની ચર્ચા છે.









