Baroda

ડીપ રિચાર્જનો ઇજારો પૂરો થયાને દોઢ વર્ષ છતાં નવો ઇજારો નહીં કરતા વિવાદ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા ભૂગર્ભજળ રિચાર્જ કરવાના ‘ડીપ રિચાર્જ બાય રેઈન વોટર’ પ્રોજેક્ટનો ઇજારો 29 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થયો. નવો ઇજારો ન થતાં હવે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં જૂના ઇજારાની નાણાકીય (રૂ. 2 કરોડ અને રૂ. 1.50 કરોડ) અને સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2026 સુધી વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીપ રિચાર્જનો ઇજારો પૂરો થયાને દોઢ વર્ષ છતાં નવો ઇજારો નહીં કરતા વિવાદ

Vadodara Corporation : વડોદરા શહેરમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવા અને વરસાદી પાણીથી ભૂગર્ભજળને રિચાર્જ કરવા માટે હાથ ધરવામાં આવેલા ‘ડીપ રિચાર્જ બાય રેઈન વોટર’ પ્રોજેક્ટનો ઇજારો 29 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થઈ ગયો હોવા છતાં નવો ઇજારો કરવામાં આવ્યો નથી. હવે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં જૂના ઇજારાની નાણાકીય તેમજ સમય મર્યાદા વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં સરકારી ઇમારતો સહિત વિવિધ સ્થળોએ તેમજ વરસાદી પાણીનો ભરાવો થતો હોય તેવા વિસ્તારોમાં ભૂગર્ભજળ રિચાર્જ કરવાની કામગીરી માટે આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય તે હેતુથી સૂચનોને ધ્યાને લઈ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. વિશ્વામિત્રી પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિ દ્વારા પણ ડીપ રિચાર્જ બાય રેઈન વોટરની કામગીરી કરવા જણાવાયું હતું.
વર્ષ 2024-25માં રૂ.10 કરોડની નાણાકીય મર્યાદામાં કામગીરી કરવા માટે અંદાજ કરતાં 0.33 ટકા ઓછા ભાવના ભાવપત્રકને સ્થાયી સમિતિની મંજૂરી મળી હતી. ત્યારબાદ અશ્વથ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડને આ કામગીરીનો ઇજારો આપવામાં આવ્યો હતો. જોકે, આ ઇજારાની સમય મર્યાદા 29 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી.
હવે કાર્યપાલક ઇજનેરે દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ઝોનમાં નવો ઇજારો ન થાય ત્યાં સુધી જૂના ઇજારાની સમયમર્યાદા વધારવા દરખાસ્ત કરી છે. તેમાં ઉત્તર ઝોન માટે રૂ.2 કરોડ અને દક્ષિણ ઝોન માટે રૂ.1.50 કરોડની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે.
નવો ઇજારો ન થાય ત્યાં સુધી ડીપ રિચાર્જની કામગીરી ચાલુ રાખવા માટે સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.