ભવન્સ વિદ્યાલયની પ્રવાસ નીતિને લઈ વિવાદ : એક્ટિવિટી ફી નહીં ભરો તો પ્રવાસ નહીં ? ના નિર્ણયથી વાલીઓમાં ભારે આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ભવન્સ વિદ્યાલય દ્વારા શાળા પ્રવાસને લઈને અપનાવવામાં આવેલી કથિત ભેદભાવપૂર્ણ નીતિ સામે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વાર્ષિક પ્રવૃત્તિ ફી ભરનારા વિદ્યાર્થીઓને જ પ્રવાસમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ કરી વાલીઓએ શાળા સંચાલકો સમક્ષ રજૂઆત કરી છે. દરમિયાન, વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન પણ વાલીઓના સમર્થનમાં જોડાયું છે અને જરૂર પડ્યે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભવન્સ વિદ્યાલય દ્વારા આયોજિત શૈક્ષણિક અને મનોરંજક પ્રવાસમાં માત્ર વાર્ષિક એક્ટિવિટી ફી ભરનારા વિદ્યાર્થીઓને જ સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓએ કોઈ કારણસર એક્ટિવિટી ફી ભરી નથી, તેમના વાલીઓ પ્રવાસનો અલગથી ખર્ચ ચૂકવવા તૈયાર હોવા છતાં શાળા દ્વારા પ્રવાસમાં જોડાવાનો વિકલ્પ આપવામાં આવતો નથી. આ અંગે વાલીઓએ શાળા સંચાલકોને રજૂઆત કરી હોવા છતાં તેમની માગ સ્વીકારવામાં આવી ન હોવાનો આક્ષેપ છે.
વાલીઓનો આક્ષેપ છે કે, શાળા સંચાલકોના આવા વલણને કારણે બાળકોમાં લઘુતાગ્રંથિ અને પરસ્પર વૈમનસ્યની લાગણી ઊભી થઈ શકે છે. શિક્ષણ સંસ્થા દ્વારા બાળકો વચ્ચે ફીના આધારે ભેદભાવ કરવો એ શિક્ષણના મૂળભૂત મૂલ્યોની વિરુદ્ધ હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે.
આ સમગ્ર મામલે વાલીઓ ભવન્સ વિદ્યાલય ખાતે એકત્ર થઈને આચાર્ય તથા ટ્રસ્ટી મંડળ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. વાલીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારો પણ સ્થળ પર જોડાયા હતા. એસોસિએશને જણાવ્યું છે કે, જો શાળા સંચાલકો કથિત ભેદભાવપૂર્ણ નિર્ણય પરત નહીં ખેંચે અને તમામ ઇચ્છુક વિદ્યાર્થીઓને પ્રવાસમાં જોડાવાની તક નહીં આપે, તો શિક્ષણ વિભાગ, બાળ અધિકાર આયોગ અને સક્ષમ અદાલતમાં કાર્યવાહી કરવામાં આવશે.




