અંદાજ કરતાં 36 ટકા વધુ ભાવથી કામગીરી આપવાનો વિવાદ : નિમેટા પ્લાન્ટમાં ફિલ્ટર ટ્રફની કામગીરી માટે રૂ.37.09 લાખનો ખર્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : નિમેટા ખાતે મહાનગરપાલિકા હસ્તકના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આરસીસી ફિલ્ટર ટ્રફ બનાવવાની કામગીરી માટે અંદાજિત ભાવ કરતાં 36 ટકા વધુના ભાવે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. ઇજારદાર એચ.બી. એન્જિનિયર્સનું રૂ.37.09 લાખનું ભાવપત્રક રજૂ થતાં કામગીરીના ભાવને લઈને વિવાદ સર્જાયો છે.
પ્લાન્ટ નંબર-3માં હાલ પ્લાન્ટની મૂળ રચના મુજબ એફઆરપીના ફિલ્ટર ટ્રફ લગાવવામાં આવ્યા છે. પાણીના વજનના કારણે આ ટ્રફ અવારનવાર નીચે બેસી જતા હોવાથી વારંવાર સમારકામ કરવું પડે છે. સમારકામ બાદ પણ યોગ્ય લેવલ જળવાતું ન હોવાથી ફિલ્ટરની બેકવોશ પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકતી નથી. આથી એફઆરપીના ટ્રફને બદલે આરસીસીના ફિલ્ટર ટ્રફ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે.
મહાનગરપાલિકા દ્વારા કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રીજા પ્રયાસમાં પણ કોઈ ઇજારદારે રસ દાખવ્યો ન હતો. ત્યારબાદ ઓફર મંગાવવામાં આવતાં એચ.બી. એન્જિનિયર્સ અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન સહિત બે એજન્સીઓએ ભાવપત્રક ભર્યું હતું. એચ.બી. એન્જિનિયર્સને ભાવ ઘટાડવા જણાવતાં ઇજારદારે 11 ટકા ઘટાડો કર્યો હતો.
આ કામગીરીનો અંદાજિત ભાવ રૂ.27.28 લાખ હોવાનું મનાય છે, જ્યારે ઘટાડા બાદ પણ એચ.બી. એન્જિનિયર્સનો ભાવ રૂ.37,09,555 એટલે કે અંદાજ કરતાં આશરે રૂ.9.81 લાખ વધુ છે. જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે. કામગીરી પૂર્ણ કરવા માટે છ મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ દરખાસ્ત આગામી ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય માટે રજૂ થશે.




