વડોદરા કોર્પોરેશનમાં નવો ઇજારો થાય નહીં ત્યાં સુધી જૂના કોન્ટ્રાક્ટ લંબાવી કોન્ટેક્ટરોને ફાયદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના ઉત્તર ઝોનમાં પાણીની લાઈન નાખવાની કામગીરી તેમજ ઓપરેટર-શ્રમિકોની સેવાઓ માટે આપવામાં આવેલા વાર્ષિક ઇજારાઓમાં સમયમર્યાદા લંબાવવા અને નાણાકીય મર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. નવો ઇજારો અમલમાં ન આવે ત્યાં સુધી જૂના કોન્ટ્રાક્ટને જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાતા અને સાથે જ લાખો રૂપિયાનો વધારાનો ખર્ચ મંજૂર કરવાની તૈયારી થતાં કોર્પોરેશનના આયોજન સામે સવાલો ઊભા થયા છે.
ઉત્તર ઝોનમાં કોન્ટ્રાક્ટ આધારિત ઓપરેટર અને શ્રમિકો પૂરા પાડવા માટે વાઈટલ ફેસિલિટીઝ પ્રાઇવેટ લિમિટેડને રૂ.2.50 કરોડનો વાર્ષિક ઇજારો આપવામાં આવ્યો છે. નવો ઇજારો થાય નહીં ત્યાંથાય ત્યાં સુધી હાલના ઇજારામાં રૂ.50 લાખની વધારાની નાણાકીય મર્યાદા મંજૂર કરવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત પાણીની લાઈન નાખવાના વાર્ષિક ઇજારાઓમાં પણ સમયમર્યાદા લંબાવવા અને નાણાકીય મર્યાદામાં વધારો કરવાની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. વોર્ડ નં.1માં જય ભોલે એન્ટરપ્રાઇઝ, વોર્ડ નં.2માં એસ.એન. કન્સ્ટ્રક્શન, વોર્ડ નં.3માં જય ભોલે એન્ટરપ્રાઇઝ અને વોર્ડ નં.7માં શિવ કન્સ્ટ્રક્શનના ઇજારાઓમાં નવો કોન્ટ્રાક્ટ અમલમાં ન આવે ત્યાં સુધી 9 ટકા વધુ દરે રૂ.50 લાખની મર્યાદા સાથે સમયમર્યાદા લંબાવવા તેમજ વધારાના રૂ.10 લાખની નાણાકીય મર્યાદા ઉમેરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
જ્યારે વોર્ડ નં.13માં એસ.એન.કન્સ્ટ્રક્શનના પાણીની લાઈનના વાર્ષિક ઇજારામાં પણ નવો ઇજારો અમલમાં ન આવે ત્યાં સુધી સમયમર્યાદા લંબાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
વારંવાર વાર્ષિક ઇજારાઓની મુદત લંબાવવી, નવા ટેન્ડર સમયસર પૂર્ણ ન કરી શકવા અને નાણાકીય મર્યાદામાં સતત વધારો કરવાની ફરજ પડતાં મહાનગરપાલિકાના આયોજન અને ટેન્ડર વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.









