બિલમાં ડ્રેનેજ કામગીરી બાદ ફરી રસ્તો બેસી જતા કોન્ટ્રાક્ટરને રૂ.5 લાખનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના બિલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું નેટવર્ક ઉભું કરવાની કામગીરી કોન્ટ્રાક્ટર દિનેશચંદ્ર આર.અગ્રવાલને સોંપવામાં આવી છે. જોકે કામગીરીમાં બેદરકારીના કારણે વારંવાર રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
એક અઠવાડિયા અગાઉ બિલ વિસ્તારમાં આવેલી પ્રકૃતિ વિલા સોસાયટી નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તો ધસી પડ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ વડોદરા મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર દિનેશચંદ્ર આર.અગ્રવાલ સામે કાર્યવાહી કરીને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો હતો.
આ કાર્યવાહી બાદ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ત્રણ દિવસ અગાઉ બિલ પાણીની ટાંકી પાસે ડ્રેનેજની કામગીરી બાદ આખેઆખો રસ્તો બેસી જવાની ઘટના સામે આવી હતી. ઘટનાની તપાસ બાદ મહાનગરપાલિકાએ ફરી કડક કાર્યવાહી હાથ ધરી કોન્ટ્રાક્ટરને રૂ.5 લાખનો દંડ ફટકાર્યો છે.
મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ભવિષ્યમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ગુણવત્તા જાળવવા અને આવી પ્રકારની બેદરકારી ફરી ન દાખવવા કડક તાકીદ કરી છે.









